Gujarat

ઓપરેશન ક્લીન સ્વીપ હેઠળ ૭૪ આરોપીઓને ઝડપીને કાર્યવાહી કરી

By GS TEAM
20 Sep 20251 min read
ઓપરેશન ક્લીન સ્વીપ હેઠળ ૭૪ આરોપીઓને ઝડપીને કાર્યવાહી કરી

અમદાવાદ,શનિવાર

આગામી તહેવારના દિવસો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ડીસીપી ઝોન-૭ના તાબામાં આવતા પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગુનામાં પકડવાના બાકી આરોપી પકડવા અને વાહનચેકિંગની કામગીરી ખાસ કામગીરી કરવામાં આવી હતી. જેમાં ૬૪ જેટલા વોન્ટેડ આરોપીઓ અને વાહનચેકિંગ દરમિયાન દશ આરોપીઓને ઓપરેશન ક્લીન સ્વીપ  હેઠળ ઝડપીને કાર્યવાહી કરી હતી.

આગામી નવરાત્રી અને દિવાળીના તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે  ડીસીપી ઝોન-૭ શિવમ વર્માએ તેમના તાબામાં આવતા આઠ પોલીસ સ્ટેશન અને ડીસીપીના સ્ક્વોડના સ્ટાફના  ૨૨૫ પોલીસ કર્મચારીઓને સાથે રાખીને કુલ ૨૯ ટીમ બનાવીને શુક્રવારે રાતથી શનિવાર સવાર સુધી સ્પેશીયલ કોમ્બીંગ નાઇટ હેઠળ  કાર્યવાહી કરવામાં આવી હતી.

જેમાં નહી ઝડપાયેલા ૬૪ જેટલા આરોપીઓને ઝડપી લીધા હતા. જ્યારે નાકાબંધી કરીને વાહનચેકિંગ દરમિયાન ૧૦ ગુના નોંધીને ૧૦ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ઝડપાયેલા આરોપીઓ હત્યાની કોશિષ, ઘરફોડ ચોરી, રાયોટીંગ, મારામારી,  જુગાર, પ્રોહીબીશન અને આઇટી એક્ટના ગુનામાં સંડોવાયેલા હતા.