રાજકોટના રેસકોર્સમાં ફજર ચકરડી અનધિકૃત : મનપાએ જવાબદારી ખંખેરી
મનપાએ બોર્ડ મુક્યું-રાઈડ્સમાં બેસો તો જવાબદારી ગ્રાહકોની વર્ષોથી મીની રાઈડ્સ નથી નિયમબદ્ધ થઈ કે નથી હટાવાતી, મનપા રૃ।.૫૦૦નો ચાર્જ વસુલીને જવાબદારી પૂરી માને છે
રાજકોટ, : રાજકોટમાં જ્યાં નાના ભુલકાંઓ મનોરંજન મેળવે છે તે શહેરમાં ફરવાના એકમાત્ર સ્થળ રેસકોર્સ મેદાનમાં ત્રણસો જેટલી નાની-મોટી રાઈડ્સ,સ્ટોલ વર્ષોથી છે જે તમામની મહાપાલિકા દ્વારા કોઈ મંજુરી આપવામાં આવેલી નથી તેવું આજે મનપાએ ડંકે કી ચોટ પર બોર્ડ મુકીને જાહેર કર્યું છે અને આ સાથે બોર્ડમાં એવી સૂચના અપાઈ છે કે આ અનધિકૃત રાઈડ્સમાં બેસો તો સેફ્ટી-સલામતિની જવાબદારી જે તે ગ્રાહકોની રહેશે. આ બોર્ડ સાથે રાઈડ્સધારકોમાં ભારે વિવાદ સર્જાયો છે.
આ અંગે જગ્યારોકાણ વિભાગે જણાવ્યા પ્રમાણે કોઈ પણ મનોરંજક નાની-મોટી રાઈડ્સની મંજુરી માટે ડી.સી.પી.(ક્રાઈમ) તેમજ મનપાના અધિકારીઓ સહિતની સમિતિનું ગઠન કરાયું છે, રેસકોર્સમાં કાયમી ચાલતી ફજર,ચકરડીઓને સમિતિની કે અન્ય કોઈ ખાતાની મંજુરી અપાયેલી નથી. અમે તેને હટાવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. આ ફજર,ચકરડીઓની સેફ્ટી,ઈલેક્ટ્રીફીકેશન વગેેરેનું કોઈ ઈન્સપેક્શન કરીને એનઓસી અપાયેલ નથી. આ અંગે રાઈડ્સધારકોએ જણાવ્યું કે અહીં નાના બાળકોના આનંદપ્રમોદ માટેની આ રાઈડ્સ છે જેનાથી આશરે ૧૨૦૦ લોકોને રોજીરોટી મળે છે. મનપા વર્ષોથી દરેક રાઈડ દીઠ રૃ।.પાંચસોનો ચાર્જ વસુલતી રહી છે. હવે આ બધુ ગેરકાયદે છે અને તેનો ઉપયોગ કરનારની સલામતિ માટે જે તે ગ્રાહકની જવાબદારી એવું બોર્ડ મુક્યું છે પરંતુ, અમને કોઈ વૈકલ્પિક જગ્યા અપાઈ નથી. એકંદરે મનોરંજન માટેના ટીઆરપી ગેમઝોન અને હરવા ફરવા માટેના ઝુલતાપૂલની ભયાનક દુર્ઘટના પછી હવે તંત્ર જવાબદારી ખંખેરી રહ્યું છે અને શહેરમાં મોટી રાઈડ્સ પછી વ્હીલ પર લવાતી-લઈ જવાતી નાની ફરજચકરડીનો વિવાદ જાગ્યો છે.