Gujarat

પુત્રી-જમાઇએ પ્રૌઢની હત્યા નિપજાવી : લાશ બાઇક ઉપર રાખી ફેંકવા ગયા

By GS TEAM
2 Jul 20252 mins read
પુત્રી-જમાઇએ પ્રૌઢની હત્યા નિપજાવી : લાશ બાઇક ઉપર રાખી ફેંકવા ગયા

પડધરીના સુવાગ ગામેથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો : મૂળ મધ્યપ્રદેશના પ્રૌઢ હાલ મેટોડા જીઆઈડીસીમાં મજૂરી કરતા હતા, આગતા-સ્વાગતા નહીં કરવાના મુદ્દે ઝગડો થતાં હત્યા નિપજાવાઇ

રાજકોટ, : પડધરીના સુવાગ ગામેથી ગઇકાલે સવારે મૂળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાના અને હાલ મેટોડા જીઆઈડીસીમાં મજૂરી કરતાં હિંમતસિંહ વીરસિંહ ડામોર (ઉ.વ. 55)ની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં હિમતસિંહની ખુદ તેની પુત્રી અને જમાઇએ મળી હત્યા કર્યાનું બહાર આવ્યું છે. એલસીબીએ ભેદ ઉકેલી બંને આરોપીઓની ધરપકડ કરી હતી.

ગઇકાલે સવારે સુવાગ ગામે શનિદેવ મંદિરની બાજુમાંથી હિમતસિંહની લાશ મળી આવી હતી. રી પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી મૃતદેહને રાજકોટ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. તે સાથે જ પોલીસે ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી હતી. આખરે હાલ મોરબી જિલ્લાના ઘુંટુ ગામે કડિયા કામ કરતાં કાંતિભાઇ (ઉ.વ. 40)એ લાશ પોતાના પિતાની હોવાનું ઓળખી બતાવ્યું હતું. સાથોસાથ પોલીસને કહ્યું કે તેના પિતા છેલ્લે તરઘડી ગામે જેબી  ફાર્મ હાઉસમાં રહેતી પુત્રી ખેતાને મળવા ગયા હતા. 

જેથી તપાસમાં જોડાયેલી એલસીબીએ ખેતા (ઉ.વ.28 અને તેના પતિ ગણપત મકનાભાઈ અજનાર (ઉ.વ. 32)ની પૂછપરછ કરી હતી. શરૂઆતમાં બંનેએ ગોળ ગોળ જવાબો આપ્યા બાદ આખરે હત્યા કર્યાનું કબૂલી લીધું હતું.  બંને આરોપીઓ ડરી જતાં લાશનો નિકાલ કરવાનું નક્કી કર્યું હતું. શરૂઆતમાં બંને આરોપીઓએે હિમતસિંહે પહેરેલા કપડા લોહીવાળા થઇ ગયા હોવાથી તેને પાણીથી ધોઇ નાખ્યા હતા. એટલું જ નહીં ત્યાં પડેલું લોહી પણ સાફ કરી નાખ્યું હતું. કપડા સૂકાઇ જતા ફરીથી હિમતસિંહને પહેરાવી દીધા હતા.  ત્યાર પછી અંધારૂં થતાં તેની લાશ બાઇક વચ્ચે રાખી બંને આરોપીઓ તેનો નિકાલ કરવા રવાના થઇ ગયા હતાં. હિમતસિંહ ખીરસરા આસપાસ કામ કરતાં હોવાથી ત્યાં કોઇ જગ્યાએ લાશ ફેંકી દેવાનું નક્કી કર્યું હતું. પરંતુ સરપદડ ગામથી આગળ બાઇક બંધ થઇ જતાં લાશને રોડ નીચે નાખી નજીકના ગામમાં જઇ સૂઇ ગયા હતાં.  વહેલી સવારે એક રીક્ષામાં બાઇક મેટોડા જીઆઈડીસીમાં રિપેરિંગ માટે મૂકી તરઘડી ગામે આવી ગયા હતાં. 

એલસીબીને વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે હિમતસિંહ અવારનવાર પુત્રી ખેતાના ઘરે જતા ત્યારે જમાઇને કહેતા કે તે તેની બરાબર રીતે આગતા-સ્વાગતા કરતો નથી. જેને કારણે બંને વચ્ચે ઝગડા થતાં હતાં. ગઇકાલે પણ આ જ મુદ્દે બંને વચ્ચે ઝગડો થતાં ગણપત ઉશ્કેરાઇ ગયો હતો અને પત્ની ખેતા સાથે મળી હત્યા કરી નાખી હતી.