લાકડાનું પાટિયું માથામાં ઝીંકી દીધું : હું રાજુ સાથે બોલીશ, તું વચ્ચે આવીશ તો તને જાનથી મારી નાખીશ
રાજકોટ, : કાલાવડ રોડ પરના વાજડી ગામે રહેતી અમૃતાબેન વાળા (ઉ.વ. 50) ઉપર તેની પુત્રવધૂએ લાકડાના પાટિયા વડે હુમલો કરી માથામાં ઇજા પહોંચાડયાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઇ છે.
જેમાં અમૃતાબેને જણાવ્યું છે કે ગઇ તા. 23ના રોજ સવારે મેટોડા જીઆઈડીસી ખાતે કામે જતા પહેલા ઘર નજીક દૂધની દુકાને ગયા હતા. તે વખતે સામેથી પુત્રવધૂ આવતા તેને તું કેમ રાજુભાઈ સાથે બોલે છે તેમ કહેતા પુત્રવધૂએ કહ્યું કે હું તો બોલીશ જ. ત્યાર પછી તેની સાથે ઝઘડો કરી ગાળો ભાંડી હતી.
ગાળો ભાંડવાની ના પાડતા નજીકમાં પડેલું લાકડાનું પાટિયુ ઉપાડી તેનો એક ઘા માથામાં ઝીંકી દીધો હતો. બૂમાબૂમ કરતાં આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા. તે વખતે પુત્રવધૂએ કહ્યું કે હું રાજુભાઈ સાથે તો બોલીશ જ, તું અમારી બંનેની વચ્ચે આવી છો તો તને જાનથી મારી નાખીશ. માથામાં ઇજા થતાં સિવિલમાં સારવાર લીધા બાદ ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.


