૧ મહિના પછી પુત્રીનું મોત થયું ઃ અગાઉ પુત્રનું પણ મોત થયું હતું
પેટ્રોલ પંપના માલિકે આર્થિક સંકડામણના કારણે પરિવાર સાથે આપઘાતનો પ્રયાસ કર્યો હતો
વડોદરા, ગોરવાના સામૂહિક આપઘાતના પ્રયાસના કિસ્સામાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતી ૧૭ વર્ષની પુત્રીનું ગઇકાલે સારવાર દરમિયાન મોત થયું છે.
પેટ્રોલ પંપ ચલાવતા વેપારીએ આર્થિક સંકડામણના કારણે ગઇ ૨૧ મી તારીખે સાંજે ૪ વાગ્યે પોતાના ઘરે પરિવાર સાથે ઝેર ગટગટાવી લીધું હતું. પરિવારની તબિયત બગડતા પરિવારના મોભી કાર લઇને સીધા જ સયાજી હોસ્પિટલમાં પહોંચી ગયા હતા. ડોક્ટર સમક્ષ સામૂહિક આપઘાતની વાત કરતા જ ડોક્ટર દ્વારા બાવન વર્ષના વેપારી, તેમના ૪૯ વર્ષના પત્ની, ૨૩ વર્ષના માનસિક અસ્વસ્થ પુત્ર, ૧૭ વર્ષની પુત્રી અને પાંચ વર્ષના પુત્રની સારવાર શરૃ કરવામાં આવી હતી. અગાઉ સારવાર દરમિયાન માનસિક અસ્વસ્થ પુત્રનું મોત થયું હતું.જ્યારે પુત્રીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાંથી વારસિયા રોડની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. જેનું ગઇકાલે સાંજે સારવાર દરમિયાન મોત થયું છે.