Get The App

દંપતિના ઝઘડામાં દિકરીને પિતાના પ્રેમથી વંચિત ન રાખી શકાય : કોર્ટ

પિતા દિકરીને મળી ન શકે તે માટે માતાએ કરેલી અપીલ નામંજૂર

Updated: Mar 1st, 2026

GS TEAM

Google News
Google News
દંપતિના ઝઘડામાં દિકરીને પિતાના પ્રેમથી વંચિત ન રાખી શકાય : કોર્ટ 1 - image

વડોદરા : પતિ-પત્ની વચ્ચે ચાલતા ઝઘડામાં અદાલતે બાળકના કલ્યાણને સર્વોપરી ગણતો મહત્વનો ચુકાદો આપ્યો છે. મહિલાએ તેના પતિ અને સાસરી પક્ષ વિરુદ્ધ ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી, જેમાં  ટ્રાયલ કોર્ટે પિતાને દર મહિનાના બીજા અનો ચોથા રવિવારે ચાર વર્ષની દિકરીને ચાર કલાક મળવા દેવાનો આદેશ કર્યો હતો.ટ્રાયલ કોર્ટના આ આદેશને મહિલાએ સેશન્સ કોર્ટમાં પડકારતા ન્યાયાધીશે ટ્રાયલ કોર્ટના આદેશને યોગ્ય ઠેરવ્યો હતો અને ચૂકાદમાં નોંધ્યું હતું કે,માતા-પિતાના ઝઘડામાં દિકરીને પિતૃપ્રેમથી વંચિત ન રાખી શકાય.

કેસની વિગત એવી છે કે, પુજા મહેતાએ તેના પતિ મનીષ મહેતા (બન્ને નામ બદલ્યાં છે) સામે ઘરેલુ હિંસાનો કેસ દાખલ કરતા પતિએ દિકરીની કસ્ટડી પત્ની પાસે હોઇ તેમને મળવા દેવા માટેની દાદ માંગતા ટ્રાયલ કોર્ટે તા. ૨૮ મે, ૨૦૨૫ના રોજ હુકમ કર્યો હતો. અદાલતે પિતાને પોતાની પુત્રી સાથે દર મહિનાના બીજા અને ચોથા રવિવારે સવારે ૯ થી ૧ વાગ્યા દરમિયાન મુલાકાત કરવાની મંજૂરી આપી હતી. અદાલતે બંને પક્ષોને કોર્ટ કમ્પાઉન્ડ સિવાયનું કોઈ તટસ્થ સ્થળ નક્કી કરી તે અંગે જાણ કરવા આદેશ કર્યો હતો.

જોકે, નીચલી અદાલતના આ હુકમથી નારાજ થઈ માતા પુજા મહેતાએ વડોદરાની સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. તેમની રજૂઆત હતી કે ટ્રાયલ કોર્ટે પુરાવાનું યોગ્ય અર્થઘટન કર્યા વગર કસ્ટડીનો હુકમ કર્યો છે, જે રદ થવો જોઈએ. સામા પક્ષે પતિના વકીલે સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓ ટાંકીને દલીલ કરી હતી કે બાળકની મુલાકાતનો હક આપવો એ ન્યાયી છે.ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ ચૂકાદો આપતા તેમાં નોંધ્યું હતું કે, પતિ-પત્ની વચ્ચેના વિખવાદમાં નિર્દોષ બાળક માતા-પિતાના પ્રેમથી વંચિત રહે તે યોગ્ય નથી.

 બાળકના સર્વાંગી વિકાસ અને ભવિષ્ય માટે પિતા પણ પોતાની પુત્રી પર પ્રેમ વરસાવી શકે તે જરૃરી છે. અદાલતે સ્પષ્ટ કર્યું કે ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ બાળકને મળવાનો અધિકાર આપવો એ કાયદાના ઉદ્શ્ય મુજબ છે. ન્યાયાધીશે માતાની અપીલને નામંજૂર કરી નીચલી કોર્ટના હુકમને કાયમ રાખ્યો છે. અદાલતે ઠેરવ્યું કે ટ્રાયલ કોર્ટનો નિર્ણય તર્કસંગત અને ન્યાયી છે, જેમાં હસ્તક્ષેપ કરવાની કોઈ જરૃર જણાતી નથી.