આજે ગિરનારની ટોચ પર રાજોપચાર પૂજા સાથે દત્તાત્રેય જયંતી ઉજવાશે

માગશર સુદ પૂનમના ભગવાન આકારમાંથી નિરાકાર થયા હતા : કમંડળ કુંડ ખાતે મહાદતયાગ યજ્ઞા : ભોજન પ્રસાદ, ભવનાથ તળેટીમાં હરિ ઓમ તત્સ્ત જય ગુરૂ દતનો નાદ ગુંજશે
જૂનાગઢ, : ગિરનાર ક્ષેત્રના અધિષ્ઠાતા દત્તાત્રેય ભગવાનની આવતીકાલે તા. 4ના જ્યંતી ઉજવાશે. માગશર સુદ પૂનમના ભગવાન આકારમાંથી નિરાકાર થયા હતા. દત્તાત્રેય જ્યંતી નિમિત્તે ગિરનારની ટોચ પર રાજોપચાર પૂજા સાથે મહા અભિષેક કરાશે જ્યારે કમંડલ કુંડ ખાતે મહા દત્ત યાગ યજ્ઞા યોજાશે. ભવનાથ તળેટીના આશ્રમોમાં પણ ભાવભેર ઉજવણી થશે.
ગિરનાર ક્ષેત્ર ભગવાન દત્તાત્રેય મહારાજના નિવાસ સ્થાન છે. માગશર સુદ પૂનમના ભગવાન દત્તાત્રેય આકારમાંથી નિરાકાર થયા હતા. આવતીકાલે તા.૪ના માગશર સુદ પૂનમના ગિરનારની ટોચ પર દત્તાત્રેય ભગવાનની જ્યંતી નિમિત્તે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ગુરૂ દત્ત શિખર ખાતે વિદ્વાન પંડિતો તથા મહંત મહેશગીરી સહિતના સાધુ-સંતો તેમજ ભાવિકો દ્વારા રાજોપચાર પૂજાવિધી સાથે દત્તાત્રેય ભગવાન તેમજ પાદુકાનું પૂજન કરી મહા અભિષેક કરવામાં આવશે. જ્યારે આ સદીના સૌથી પ્રાચીન અન્નક્ષેત્ર એવા કમંડલ કુંડ ખાતે મહા દત્ત યાગ યજ્ઞા યોજાશે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. બપોરે હજાર ભાવિકો મહાપ્રસાદ ગ્રહણ કરશે. ગિરનાર ક્ષેત્રમાં હરિ ઓમ તત્સ્ત જય ગુરૂ દત્તનો નાદ ગુંજી ઉઠશે.

