કમંડળ કુંડ ખાતે દતાત્મ જ્યોતિ અનાદિકાળથી ચૈતન્ય શક્તિનું સ્થાન

દતાત્રેય ભગવાને યોગ, તપ, સંન્યાસનું પ્રતિપાદન કર્યું હતું : વર્તમાન સમયમાં પણ દત ચૈતન્ય ભાવિકોમાં ઊર્જા અને અખંડ ચેતનાનો પ્રવાહ જાળવી રાખે છે
જૂનાગઢ, : ગિરનાર પર આવતીકાલે દતાત્રેય ભગવાન જયંતિ ઉજવાશે. આ સ્થળથી નીચે આવેલા કમંડળ કુંડ ખાતે દતાત્રેય ભગવાને યોગ, તપ, સંન્યાસનું પ્રતિપાદન કર્યું હતું. આ સ્થળે દતાત્મ જ્યોતિ અનાદિકાળથી અખંડ ચૈતન્ય શક્તિનું સ્થાન છે. દર સોમવારે સ્વયંભુ પ્રજ્વલ્લિત થતા દત ધુણાના દર્શન માટે મોટી સંખ્યામાં દેશભરના ભાવિકો આવે છે.
હિમાલયમના પ્રપિતા મનાતા ગિરનાર આધ્યાત્મિક સિધ્ધભૂમિ છે. ભગવાન દતાત્રેય ગિરનાર ક્ષેત્રના અધિષ્ઠાતા દેવ છે. દત શીખરથી થોડે નીચે આવેલી કમંડળ કુંડ જગ્યા ખાતે ચેતન ધુણો છે. દત ભગવાને આ સ્થળે યોગ, તપ અને સંન્યાસનું પ્રતિપાદન કર્યું હતું. પુરાણો મુજબ દતાત્રેય ભગવાને આ ધુણો પ્રજ્વલ્લિત કર્યો હતો.
વર્તમાન સમયમાં પણ દર સોમવારે આ ધુણામાં સમીધ ગોઠવવામાં આવે છે. તેની થોડી વારમાં જ કોઈ જાતની અગ્નિ વગર આ ધુણો સ્વયંભુ પ્રજ્વલ્લિત થઈ જાય છે, જે બીજા સોમવાર સુધી ચેતન રહે છે. સોમવારે ધુણાની રાખને બહાર કાઢી ભાવિકોને પ્રસાદરૂપે આપવામા આવે છે. આ સ્થળે કાયમી અન્નક્ષેત્ર ચાલે છે. ગિરનારના દુર્ગમ સ્થળે પણ ભાવિકોને ભોજન પ્રસાદ મળી રહે છે. આ સ્થળે સેવા માટે પણ ભાવિકોના 11-11 દિવસના વારા રાખવામાં આવ્યા છે, જ્યાં મહારાષ્ટ્રથી સેવકો સેવા માટે આવે છે. વર્તમાન સમયમાં પણ આ સ્થળે ભાવિકોને દત ચૈતન્ય અને અનોખી ઉર્જાનો પ્રવાહ મળી રહે છે.

