ટિપ્સના નામે ચાર્જ વસૂલતા શખ્સ પાસેથી દેશના 10 લાખ ડીમેટ ખાતાનો ડેટા મળ્યો

કેશોદમાં LCBનો દરોડો કોઈ નિષ્ણાત ન હોવા છતાં શેર માર્કેટમાં નફો કરાવી દેવા મહિને 3,00 રૂપિયા વસૂલ કરતો હતો
જૂનાગઢ, : કેશોદમાં એલસીબીએ ઓફસેટની ઓફિસમાં દરોડો પાડી શેરબજારમાં નફો કરાવવા ટીપ્સ આપી ચાર્જ વસુલતા શખ્સને પકડી લઈ તપાસ કરતા તેના કોમ્પ્યુટરમાંથી દેશભરના 10 લાખ ડીમેટ એકાઉન્ટનો ડેટા મળી આવ્યો હતો. એલસીબીએ કુલ 42700નો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢ એલસીબીનો સ્ટાફ ગઈકાલે કેશોદ પંથકમાં પેટ્રોલીંગમાં હતો ત્યારે આંબાવાડી વિસ્તારમાં સરસ્વતી માર્કેટમાં ગણેશ ઓફસેટ નામની ઓફિસ ધરાવતો રવિ રસિક ગોહિલ શેરબજારનો નિષ્ણાત ન હોવા છતાં શેર બજારમાં રોકાણ કરવાની ટીપ્સ આપી તેનો ચાર્જ વસુલ કરી લોકો સાથે ઠગાઈ કરતો હોવાની બાતમી મળી હતી, જેના આધારે એલસીબીએ રવિ ગોહિલની ઓફિસમાં દરોડો પાડયો હતો. ત્યાં રવિ ગોહિલ શેર બજાર અંગેની માહિતી મારૂતિ કેપિટલ પ્રીમિયમ વોટ્સએપ ગ્રુપમાં મુકતો હતો. રવિની પુછપરછ કરતા તેણે પોતા પાસે પડેલા ડેટામાંથી ફોન કરી શેર બજાર અંગેની માહિતી આપી મારૂતિ કેપિટલ પ્રીમિયમ ગ્રુપમાં જોઈન કરી ટિપ્સ આપી રસ ધરાવતા લોકો પાસેથી મહિને ત્રણ હજાર ચાર્જ વસુલ કરતો હોવાનું જણાવ્યું હતું.
એલસીબીએ ત્યાં કોમ્પ્યુટર મોબાઈલ, ચોપડા ચેક કરતા નિફટી, બેંક નિફ્ટીની વિગતો મળી હતી. પેનડ્રાઇવ ચેક કરતા તેમાં રહેલા ઓલ્ડ ડેટા અને ડબ્લ્યુ બીએસ નામના ફોલ્ડર અને ડીમેટ એકાઉન્ટ હોલ્ડર ફોલ્ડરમાં શોર્ટઆઉટ કરેલા દેશભરના અલગ અલગ રાજ્યના 1004415 ડીમેટ એકાઉન્ટ ધારકોનો ડેટા મળી આવ્યો હતો. આ ડેટા તેણે ગ્રીન ગ્લોબલ ડિજિટલ માર્કેટીંગ જેવી એપ્લિકેશન મારફત મેળવ્યો હોવાની કબૂલાત આપી હતી. એલસીબીએ કોમ્પ્યુટર, મોબાઇલ, પેનડ્રાઇવ અને અન્ય સાહિત્ય મળી કુલ 42700 નો મુદામાલ કબ્જે કર્યો હતો. આ મામલે રવિ ગોહિલ સામે કેશોદ પોલીસ સ્ટેશનમાં બીએનએસ 316(2), 318(3)અને (3)મુજબ ગુનો કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.









