વડોદરામાં દશામાની મૂર્તિઓનું સાત તળાવોમાં વિસર્જન,પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

વડોદરાઃ શહેરમાં દસ દિવસથી ભક્તો વચ્ચે રહેલા દશામાં વિદાય લેનાર હોવાથી જુદાજુદા વિસ્તારના સાત તળાવોમાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે.જે માટે તળાવોની આસપાસ તેમજ તેના રૃટ પરનો ટ્રાફિક ડાઇવર્ટ કરવામાં આવ્યો છે.
દશામાની હજારોની સંખ્યામાં નાની-મોટી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હોવાથી ભક્તિભાવનો માહોલ છવાયો છે.દસ દિવસ આતિથ્ય માણી દશામા વિદાય લેનાર હોવાથી કોર્પોરેશન અને પોલીસ સહિતના વિભાગો દ્વારા તમામ પ્રકારની તૈયારી કરવામાં આવી છે.
આજે રાતથી જ વિસર્જન શરૃ થઇ જનાર હોવાથી શહેર પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ જુદાજુદા સાત તળાવો પર વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.તમામ તળાવો પર ક્રેનની પણ વ્યવસ્થા રાખવાની તૈયારી કરવામાં આવી છે.
આ ઉપરાંત ફાયર બ્રિગેડના તરવૈયાઓને પણ સાતેય તળાવો પર બોટ તેમજ તરાપાઓ સાથે તૈનાત કરવામાં આવ્યા છે.જ્યારે,તળાવો પર લાઇટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
ક્યા તળાવોમાં વિસર્જન કરવામાં આવશે
- કિશનવાડી અર્બન હેલ્થ સેન્ટર પાસે
- બીલ મઢી સ્મશાન સામે
- ગોરવા દશામા મંદિર પાસે
- હરણી સ્કલપ્ચર પાર્ક
- તરસાલી સર્કલ પાસે
- મકરપુરા ગામ(શાહી મસ્જિદ પાસે)
- માંજલપુર સ્મશાન પાસે








