Gujarat

દસાડાનો જૈનાબાદ-ઝીંઝુવાડા રોડ ખખડધજ બન્યો, લોકો પરેશાન

By GS TEAM
28 Feb 20261 min read
દસાડાનો જૈનાબાદ-ઝીંઝુવાડા રોડ ખખડધજ બન્યો, લોકો પરેશાન

વારંવાર રજૂઆત છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી

ઝીંઝુવાડા, વચ્છરાજ દાદા મંદિર, ધામા શક્તિ માતાજી મંદિર જતા શ્રદ્ધાળુઓને હાલાકી પડતા રોષ

પાટડીદસાડા તાલુકામાં માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તકના ગ્રામ્ય વિસ્તારમાં રોડ પર ગાંડા બાવળ ઉગી જવા, ખાડાઓ અને નવનિર્માણ રોડમાં હલકી ગુણવત્તાના કામથી રોષની લાગણી જોવા મળી છે. ત્યારે જૈનાબાદ-ઝીંઝુવાડા રોડ બિસ્માર બની જતા વાહન ચાલકો તોબા પોકારી ઉઠયા છે.

જૈનાબાદ-ઝીંઝુવાડા રોડથી રણમાં વચ્છરાજ દાદાના મંદિરે તથા ઝાલાવંશના શક્તિ માતાજીના મંદિર ધામા તરફ જતા શ્રદ્ધાળુઓ પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ પર વાહન લઈને પસાર થાય તો વાહનના જમ્પર પણ તૂટવા સહિત નુકસાન થાય છે. આ ઉપરાંત પ્રસૂતિ અર્થે લઈ જવાતી મહિલાઓ સહિતના દર્દીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. માત્ર ૩૦ મિનિટનો રસ્તો પસાર કરવામાં બે કલાકથી વધુનો સમય વીતી જાય છે વૃદ્ધો અને મહિલાઓને કમરનો દુઃખાવા સુધીની તકલીફો પણ થઈ રહી છે. તેમજ અકસ્માતોના બનાવો પણ વધી રહ્યા છે પરંતુ અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં તેમના પેટનું પાણી પણ હલતુ નથી. આથી જવાબદાર તંત્ર દ્વારા ઝડપથી બિસ્માર રસ્તાનું રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.