દસાડાના ઉપરિયાળા-પોરડા રોડ બિસ્માર ઠેર-ઠેર ખાડાને કારણે અકસ્માતનો ભય

તંત્રને
વારંવાર રજૂઆત છતાં ઉકેલ નહીં આવતા ગ્રામજનોમાં આક્રોશ
ચાર
વર્ષ અગાઉ બનાવેલો રોડ ભંગાર બનતા રોડની ગુણવત્તાની સામે સવાલઃ રસ્તાના સમારકામની
માંગ
પાટડી -
દસાડાના ઉપરિયાળાથી પોરડા ગામ જતો રોડ ચાર વર્ષમાં તૂટી જતા
સ્થાનિકો અને વાહન ચાલકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. રોડ પર ઠેર-ઠેર ખાડા પડી
જતાં અકસ્માતો અને વાહનોને નુકસાન થવાના બનાવો બની રહ્યાં છે. કોન્ટ્રાક્ટર દ્વારા
હલકી ગુણવતાનું કામ કરવામાં આવ્યું હોવાનો પણ ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં
આવ્યો છે.
કચ્છ-અમદાવાદ
હાઈવેને જોડતો દસાડા તાલુકાના ઉપરિયાળા-પોરડા રોડ અંદાજે ચાર વર્ષ પહેલા નિર્માણ
પામ્યો હતો પરંતુ થોડા જ વર્ષોેમાં રોડ તૂટી જતા ઠેર ઠેર ખાડા પડી ગયા છે. રોડની
ભંગાર જેવી હાલત બનતા આ માર્ગ ઉપરથી બિમાર વ્યક્તિને હોસ્પિટલ લઇ જવી હોય તો જોખમી
પુરવાર થાય તેવો આક્ષેપ સ્થાનિક ગ્રામજનોએ કર્યો છે.
બિસ્માર
તેમજ ઉબડ ખાબડ રસ્તાના કારણે વાહન ચાલકો અહીંથી પસાર થાય ત્યારે વાહનોને નુકસાન
થાય છે તેમજ અકસ્માત થવાની પણ ભીતિ સેવાઈ રહી છે. બિસ્માર રસ્તાના કારણે વાહનો
પલટી મારી જવાના પણ બનાવો બની રહ્યા છે. આ
મામલે અનેક વખત ગ્રામજનો સહિત આગેવાનોએ સ્થાનિક તંત્ર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા
છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં નહી આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો
છે.
પોરડાથી
મજેઠી જતો રોડ પર બિસ્માર બન્યો
બીજી
તરફ પોરડાથી મજેઠી ગામ જતો અંદાજે ૧૨ કિલોમીટર રોડ તૂટી જતા રાત્રિ દરમિયાન જ્યારે
નીકળવાનું થાય ત્યારે ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે. અહીંથી કંપની તરફ જતા યુવાનોના
બાઈક સ્લીપ થવાના પણ બનાવ બન્યા છે. ડામરનો રોડ પરથી કપચી છુટી પડી રહી છે. ૧૨
કિલોમીટરનું અંતર કાપવામાં અંદાજે એક કલાક જેટલો સમય નીકળી જાય છે. ઉપરિયાળા જૈન
તીર્થ સ્થળ આવેલું છે જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે તેવામાં રોડના
ખસ્તા હાલથી અત્યંત મુશ્કેલી પડી રહી જો રસ્તાનું રિપેરિંગ કામ કરવામાં નહીં આવે
તો આગામી દિવસોમાં ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.