Get The App

નડિયાદ ઓવરબ્રિજથી ડભાણ સુધીના રોડ પર સ્ટ્રીટલાઈટ બંધ રહેતા અંધારપટ

Updated: Nov 14th, 2025

GS TEAM

Google News
Google News
નડિયાદ ઓવરબ્રિજથી ડભાણ સુધીના રોડ પર સ્ટ્રીટલાઈટ બંધ રહેતા અંધારપટ 1 - image

મનપા બન્યાના એક વર્ષે પણ પ્રાથમિક સુવિધાનો અભાવ

અધિકારીઓ અને રાજકીય નેતાઓની રોડ પર અવર-જવર છતાં મનપાની ઉદાસીનતા : અકસ્માતનો પણ ભય

નડિયાદ: ખેડા જિલ્લાના મુખ્ય માર્ગો પૈકીના એક નડિયાદ સરદાર ભવન સામેના ઓવરબ્રિજથી ડભાણ તરફના રોડ પર ઘણા સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા અંધારપટના કારણે અકસ્માતનો ભય ઉભો થયો છે.

નડિયાદ શહેરના સરદાર ભવનથી મિશન રોડ થઈ ડભાણ હાઇવેને જોડતો રોડ પસાર થાય છે. રોડ ઉપર ભાજપ કાર્યાલય, સર્કિટ હાઉસ, હાર્ટ હોસ્પિટલ, કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત ભવન, એસઓજી, જેટકો, એમજીવીસીએલની કચેરીઓ સહિત સંખ્યાબંધ સોસાયટીઓ આવેલી છે. આ રોડ પર વાહનો તેમજ લોકોની ભારે અવરજવર રહે છે. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં મોટાભાગની લાઈટો સ્ટ્રીટલાઈટો બંધ હાલતમાં છે. કમલમ્ અને સર્કિટ હાઉસમાં જિલ્લાના અધિકારીઓ રાજકીય નેતાઓની આવન- જાવન છે. છતાં બંધ સ્ટ્રીટ લાઈટનું સમારકામ કરવાનું કોઈને ધ્યાને આવતું નથી. અંધારપટના કારણે અકસ્માતનો ભય સતત રહ્યા કરે છે. નડિયાદ શહેર મનપાનો વિસ્તાર બન્યો છતાં મુખ્ય માર્ગ પર સ્ટ્રીટલાઈટની વ્યવસ્થા જાળવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે અને મનપા બન્યાના એક વર્ષ થવા છતાં વહીવટમાં કોઈ સુધારો આવ્યો ન હોવાનું સ્થાનિકો કરી રહ્યા છે. 

- રામ સરોવરનું બ્યુટિફિકેશન તો કર્યું પણ વૉક-વે પર અંધારપટ

નડિયાદ રામ તલાવડીને લાખો રૂપિયાના ખર્ચે બ્યુટિફિકેશન કરી રામ સરોવરનું નિર્માણ કરાયું છે. રામ તલાવડીના વોકવે પર નાખેલી સ્ટ્રીટ લાઈટો રાત્રે ૧૧ વાગ્યે બંધ કરી દેવામાં આવે છે. ત્યારબાદ વ્હેલી સવારે આ લાઈટો શરૂ કરાય છે. વૉકિંગ કરવા નીકળતા સિનિયર સિટીઝન સહિતના લોકોને ભારે હાલાકી પડી રહી છે.