Gujarat

નડિયાદના રિંગ રોડ પર સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા અંધારપટ

By GS TEAM
28 Jun 20251 min read
નડિયાદના રિંગ રોડ પર સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા અંધારપટ

- લોકો જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર

- શહેરને જોડતા પીજ રોડથી ઝલક ચોકડી સુધી ઘણા સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ

નડિયાદ : નડિયાદ શહેરને જોડતા પીજ રોડથી ઝલક ચોકી સુધીના રિંગરોડ પર છેલ્લા કેટલાક સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા અંધારપટ છવાઈ ગયો છે. ત્યારે મોડી સાંજથી રાત્રિના સમયે વાહનચાલકો જીવના જોખમે રોડ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. અકસ્માતની સંભાવના પણ વધી છે. 

નડિયાદ રિંગરોડ પર સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી અંધકાર છવાયેલો રહે છે. રોડ પરથી પસાર થતા વાહનચાલકોને સામેથી આવતા વાહનો કે રોડ પરની અવરોધો દેખાતા નથી, જેના કારણે અકસ્માતની સંભાવનાઓ વધી ગઈ છે. રાત્રિના સમયે અજાણ્યા વાહનચાલકો માટે આ રસ્તો વધુ ભયાવહ બની જાય છે. રિંગરોડની આસપાસ ઝૂંપડપટ્ટીઓ આવેલી હોવાથી નાના બાળકો રસ્તા પર ફરતા જોવા મળે છે. અંધારાના કારણે વાહનચાલકોને બાળકો દેખાતા ન હોવાથી મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. એટલું જ નહીં, રખડતા કુતરા અને ઢોરો પણ રસ્તા પર ભટકતા રહે છે, જે વાહનચાલકો માટે જોખમ ઊભું કરે છે. 

વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આ સમસ્યાના નિરાકરણ માટે કોઈ પગલાં લેવામાં આવતા નથી. સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોમાં તંત્રની આ બેદરકારી સામે ભારોભાર નારાજગી પ્રવર્તી રહી છે. વહેલી તકે સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવાની માંગ વાહન ચાલકો કરી રહ્યા છે.