સિહોરમાં સ્ટ્રીટલાઈટ બંધ હોવાથી અંધકારના ઓળા, લોકોને મુશ્કેલી
- અધિકારી બીલોમાં સહી કરતા ન હોવાથી વેપારીઓ માલ-સામાન આપતા નથી
- શહેરમાં 30 ટકા જેટલી સ્ટ્રીટલાઈટો બંધ હોવાથી તસ્કરોને મોકળું મેદાન, ચોરીના બનાવો વધ્યા
છોટેકાશી તરીકે વિખ્યાત સિહોરના કેટલાક વિસ્તારોમાં ઘણાં સમયથી સ્ટ્રીટલાઈટો બંધ પડી છે. રોજેરોજ સ્ટ્રીટલાઈટ બંધ હોવાની અનેક ફરિયાદો કરવા ન.પા.ના અધિકારીઓ કાને વાત ધરતા નથી. શહેરીજનો ફરિયાદ કરવા જાય તો સ્ટ્રીટલાઈટનો માલ-સામાન હાજર સ્ટોકમાં ન હોવાથી સ્ટ્રીટલાઈટ બંધ હોવાનો ઉડાઉ જવાબ આપવામાં આવતો હોવાની રાવ ઉઠી છે. શહેરના કેટલાક વિસ્તારોમાં અંધકારના ઓળાના કારણે તસ્કરોને મોકળું મેદાન મળી ગયું છે અને ચોરીના બનાવોમાં ચિંતાજનક રીતે વધારો થયો છે.
માલ-સામાનના અભાવે સ્ટ્રીટલાઈટો બંધ હોવાના કારણમાં એવું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કે, ચીફ ઓફિસર દ્વારા બીલોમાં સહી કરવામાં આવતી ન હોવાના કારણે નવી લાઈટ કે સર્કિટ મંગાવી શકાતી નથી. એકાદ બીલમાં સહી થાય તો તે બીલની રકમ ઉઘરાવવામાં વેપારીઓને પરસેવો છુટી જાય છે. જેના કારણે વેપારીઓ પણ માલ-સામાન આપવા તૈયા થતા નથી. આવી સ્થિતિમાં લોકો રોજેરોજ હાડમારી વેઠી રહ્યા હોય, ન.પા. તંત્ર દ્વારા સ્ટ્રીટલાઈટનો ઘટતો સામાન વહેલી તકે મંગાવી રોશની વિભાગને કામે લગાડી તમામ બંધ સ્ટ્રીટલાઈટને શરૂ કરી શહેરમાં અજવાળું કરવામાં આવે તેવી જનતામાં પ્રબળ માંગણી ઉઠી છે.