વાવાઝોડા અને વરસાદના કારણે શહેરના ૫૦ હજાર વીજ કનેક્શનો ધરાવતા ઘરોમાં અંધારપટની સ્થિતિ
રાત્રે વીજ પુરવઠો ખોરવાતા લોકો હેરાન પરેશાન ઃ ૨૦ ફીડરોને અસર, અનેક વિસ્તારોમાં કલાકો સુધી લાઇટો ડૂલ
વડોદરા, તા.26 વડોદરામાં ગત રાત્રે મિની વાવાઝોડા સાથે ખાબકેલા વરસાદના પગલે શહેરના મોટાભાગના વિસ્તારોમાં લાઇટો ડૂલ થઇ ગઇ હતી. આ સાથે શહેરના ૫૦ હજારથી પણ વધુ કનેક્શનો ધરાવતા ગ્રાહકોને હેરાન પરેશાન થવું પડયું હતું.
શહેરના વાતાવરણમાં ગઇરાત્રે અચાનક પલટો આવ્યો હતો અને તે સાથે જ રાત્રિના સમયે મીઠી નિંદર માણતા લોકોએ વીજ પુરવઠો ખોરવાઇ જવાના કારણે હેરાન થવું પડયું હતું. ઠેર ઠેર લાઇટો ડૂલ થઇ જવાની ફરિયાદોનો મારો થતાં વીજ કર્મચારીઓએ આખી રાત દોડાદોડી કરવી પડી હતી. ઝડપથી વીજ પુરવઠો શરૃ કરવા માટે વીજ કર્મીઓની ટીમોએ ઠેર ઠેર સમારકામ શરૃ કર્યું હતું.
જ્યારે પણ વરસાદ અને વાવાઝોડા જેવી સ્થિતિમાં શહેરમાં લાઇટો ડૂલ થઇ જવાની સ્થિતિનું નિર્માણ થતું હોય છે અને લોકોને હેરાન થવું પડે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે વાવાઝોડા તેમજ વરસાદના કારણે શહેરના ૨૦ ફિડરોને અસર થઇ હતી જેના પગલે આ ફિડરોને જોડતા વીજ કનેક્શનો પર વીજળી ડૂલ થઇ ગઇ હતી. આશરે ૫૦ હજાર જેટલા ગ્રાહકો ૧૦ મિનિટથી બે કલાક સુધી વીજ પુરવઠો મેળવી શક્યા ન હતાં. જો કે કેટલાંય વિસ્તારોમાં કલાકો સુધી લાઇટો આવી ન હતી અને વહેલી સવાર સુધી વીજ કટોકટીનો સામનો કરવો પડયો હતો.
વીજ કચેરીએ જણાવ્યું હતું કે કુલ ૧૩૦૦ ફરિયાદો વીજ પુરવઠો ખોરવાઇ ગયો હોવાની મળી હતી જે પૈકી હાલ ૨૯૦ ફરિયાદોનો નિકાલ થઇ શક્યો નથી જ્યારે અન્ય ફરિયાદોનો નિકાલ થઇ ગયો છે. સૌથી વધારે અસર હરણી, કારેલીબાગ, પાણીગેટ સબ ડિવિઝનમાં આવતા વિસ્તારોને થઇ હતી. છાણી વિસ્તારના લોકો પણ લાઇટો જવાથી હેરાન થઇ ગયા હતાં.