એસપી ઓફિસમાં ૩૦ જવાનો સહિત સચિવાલય આસપાસ ડાર્ક ફિલ્મ,નંબર વગરના ૧૫૦ દંડાયા
ગાંધીનગરમાં ટ્રાફિક પોલીસની ડ્રાઇવ યથાવત
જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે ડાર્ક ફિલ્મ ધરાવતી કારમાં
પોલીસે તાળા મારીને જવાનો પાસેથી દંડ વસૂલ્યો ઃ સરકારી કર્મચારીઓ પણ ઝપટે ચઢ્યાં
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાં હાલ ટ્રાફિક પોલીસ દ્વારા ડાર્ક ફિલ્મ અને નંબર પ્લેટ વગર વાહન ચલાવવા સંદર્ભે ખાસ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે ત્યારે જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે જ ડાર્ક ફિલ્મ ધરાવતી કાર લઈને પહોંચેલા ૨૫થી વધુ પોલીસ જવાનોની કારને તાળા મારીને દંડ વસૂલવામાં આવ્યો હતો. આજે દિવસ દરમિયાન કુલ ૧૫૦થી વધુ વાહન ચાલકો પાસેથી દંડ લેવામાં આવ્યો હતો.
ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે હાલ ગાંધીનગર જિલ્લા
ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ ચાલુ કરવામાં આવી છે ત્યારે ખાસ કરીને સચિવાલય
વિધાનસભા અને અન્ય સરકારી કચેરીઓમાં પણ વાહન લઈને આવતા અધિકારી કર્મચારીઓને
નિયમોનું પાલન કરાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. ગઈકાલે ૨૦૦ જેટલા
વાહનચાલકોને દંડવવામાં આવ્યા હતા ત્યારે આજે પણ આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવી છે. જે
અંતર્ગત ટ્રાફિક પોલીસ દ્વારા સેક્ટર ૨૭માં આવેલી ગાંધીનગર જિલ્લા પોલીસ વડાની
કચેરી ખાતે તપાસ કરતા અહીં ૨૫થી વધુ કારમાં ડાર્ક ફિલ્મ હોવાનું ધ્યાને આવ્યું
હતું. જેના પગલે આ વાહનોને ટ્રાફિક પોલીસ દ્વારા તાળા મારી દેવામાં આવ્યા હતા અને
જેમ જેમ જવાનો તેમની કાર લેવા આવ્યા તેમ તેમની પાસેથી દંડ લઈને ડાર્ક ફિલ્મ દૂર
કરવામાં આવી હતી તો સચિવાલય આસપાસ પણ આજે ડ્રાઇવ ચાલુ રાખવામાં આવી હતી અને નંબર
પ્લેટ નહીં રાખવી તેમજ ડાર્ક ફિલ્મ અને ટુ-વ્હીલરમાં હેલ્મેટ નહીં પહેરવા સંદર્ભે
૫૦થી વધુ વાહન ચાલકોને દંડવામાં આવ્યા હતા. આજે દિવસ દરમિયાન ૧૫૦ જેટલા વાહન ચાલકો
પાસેથી ટ્રાફિક પોલીસ દ્વારા દંડ લેવામાં આવ્યો હતો અને આગામી દિવસમાં પણ આ
કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેમ ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર પરાગ ચૌહાણ દ્વારા
જણાવવામાં આવ્યું હતું.