દાણીલીમડા કાંડ: માનસિક અસ્થિર યુવતી સાથે હેવાનિયતથી લઈ પોલીસ એન્કાઉન્ટર સુધીનો થરથરાવી દેતો ઘટનાક્રમ

Ahmedabad Crime News: અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં બનેલી એક ઘટનાએ માત્ર પોલીસ બેડામાં જ નહીં પણ સામાન્ય જનતામાં પણ અરેરાટી ફેલાવી દીધી છે. એક તરફ માનસિક અસ્થિર યુવતીની લાચારી અને બીજી તરફ રીઢા ગુનેગારની ક્રૂરતા આ સમગ્ર ઘટના કોઈ ક્રાઈમ થ્રિલર જેવી છે, જેનો અંત પોલીસની બંદૂકની ગોળીથી આવ્યો. આરોપી હાલ જીવે છે અને સારવાર બાદ જેલમાં બંધ છે.
ક્રાઈમ બ્રાંચના PIએ ગુજરાત સમાચાર ડિજિટલ સાથે વર્ણવ્યો ઘટનાક્રમ
'એક ટેકરા પર પહેલાં આરોપી ચઢ્યો, પછી કોન્સ્ટેબલને હાથ આપીને ખેંચ્યો. જોતજોતામાં કંઈ સમજાય એ પહેલાં આરોપીએ નીચે કચરામાં પડેલો તૂટેલા અણિદાર ટુકડા વડે કોન્સ્ટેબલના હાથ પર પહેલા ઉભો અને પછી આડો ખા મારી આરોપીએ ભાગવાનો પ્રયત્ન કર્યો અને મેં ફાયરિંગ કરતાં આરોપી મોટી બૂમ પાડીને ઢળી પડ્યો..' આ શબ્દો છે ક્રાઈમ બ્રાંચના PIના. થોડાક દિવસ પહેલાં માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ કરનાર આરોપીનું પંચનામું કરતા હતા ત્યારે આ ઘટના બની હતી. જે અંગે તેમણે ગુજરાત સમાચાર ડિજિટલને ઘટનાક્રમ જણાવ્યો છે.
રાતનો અંધકાર અને મદદનું બહાનું
ઘટનાની શરૂઆત 26મી તારીખની મધ્યરાત્રિએ થઈ હતી. રાત્રે 3:30 વાગ્યાનો સુમસામ સમય હતો. એક માનસિક અસ્થિર યુવતી, જેને દુનિયાદારી કે સારા ખરાબની કોઈ સમજ નહોતી, તે માત્ર ઉધરસ આવતી હોવાથી દવા લેવા નીચે ઉતરી હતી. ત્યાં જ એક શિકારીની જેમ મોહિનુદ્દીન નામનો શખ્સ તેને ભટકાયો. માસૂમિયતનો લાભ ઉઠાવી તેણે કહ્યું, "ચાલ, હું તને દવા અપાવી દઉં."
વિશ્વાસમાં લઈને તેણે યુવતીને બાઈક પર બેસાડી. રસ્તાઓ પર ફેરવ્યા બાદ તે તેને રિવરફ્રન્ટ પાછળના જંગલ જેવા વેરાન અને અવાવરું વિસ્તારમાં લઈ ગયો. ત્યાં જઈને તેણે તે અબુધ યુવતી સાથે હેવાનિયત આચરી. યુવતી જ્યારે ઘરે પાછી ફરી ત્યારે તેની માતાને અણસાર આવી ગયો કે દીકરી સાથે કઈંક અજુગતું બન્યું છે.
ક્રાઈમ બ્રાંચનું આદર્યું ઓપરેશન
દીકરી સાથે થયેલા દુષ્કર્મની ફરિયાદ નોંધાતા જ પોલીસ હરકતમાં આવી. ગુનાની ગંભીરતા જોઈ તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચના PI આઈ. એન. ઘાસુરાને સોંપાઈ. આરોપી અજાણ્યો હતો, પણ પોલીસ પાસે ટેકનોલોજી અને બાતમીદારોનું નેટવર્ક હતું. પોલીસે ઘટનાસ્થળની આસપાસના 50થી વધુ CCTV કેમેરા ફંફોળી વળ્યા. વાહનોના નંબર ટ્રેક કર્યા અને આખરે માનવીય બાતમીદારોની મદદથી માત્ર 48 કલાકમાં જ આરોપી મોહિનુદ્દીનને ઝડપી લીધો. તપાસમાં સામે આવ્યું કે મોહિનુદ્દીન કોઈ સામાન્ય માણસ નહીં, પણ 16 ગુનાઓ આચરી ચૂકેલો, ચાર વાર પાસા અને તડીપાર થયેલો રીઢો ગુનેગાર હતો.
પંચનામું અને લોહિયાળ વળાંક
આઠમી તારીખે બપોરે 18 વાગ્યે પોલીસ કાફલો આરોપીને લઈ ઘટનાના રિકન્સ્ટ્રક્શન (પંચનામું) માટે સ્થળ પર પહોંચ્યો. જમાલપુર બ્રિજથી સંતોષનગર અને ત્યાંથી રિવરફ્રન્ટના એ જ અવાવરું ટેકરા પાસે આરોપી પોલીસને લઈ ગયો. ત્યાં પહોંચી આરોપી મોહિનુદ્દીનના મગજમાં કંઈક અલગ જ પ્લાન ચાલી રહ્યો હતો. એક ટેકરા પર તે પહેલા ચઢ્યો. પાછળ કોન્સ્ટેબલ ભરતભાઈ હતા.
આરોપીએ મદદ કરવાનો ડોળ કરીને કોન્સ્ટેબલને હાથ આપી ઉપર ખેંચ્યા. પરંતુ જેવો કોન્સ્ટેબલનો હાથ પકડાયો, આરોપીએ ત્યાં કચરામાં પડેલો તૂટેલો કાચનો અણીદાર ટુકડો ઉઠાવ્યો. પલકવારમાં જ તેણે કોન્સ્ટેબલના હાથ પર કાચ વડે પહેલા ઊભો અને પછી આડો જીવલેણ ઘા ઝીંકી દીધો. કોન્સ્ટેબલ લોહીલુહાણ થયા અને આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો.
પોલીસનું વળતું ફાયરિંગ અને અંત
પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોઈ PI ઘાસુરાએ ત્વરિત નિર્ણય લીધો. આરોપી ભાગી ન જાય અને વધુ હુમલો ન કરે તે માટે તેમણે પોતાની રિવોલ્વરમાંથી ફાયરિંગ કર્યું. ગોળી સનસનાટી કરતી આરોપીના પગમાં વાગી. એક મોટી ચીસ સાથે મોહિનુદ્દીન ત્યાં જ ઢળી પડ્યો. આમ, બપોરે 12:30 થી 1:00 ની વચ્ચે આ આખો ડ્રામા પૂરો થયો. હાલમાં ઘાયલ કોન્સ્ટેબલ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે આરોપી મોહિનુદ્દીન જેલમાં છે.
મોહનુદ્દીનનો ગુના ઇતિહાસ બહુ જ ખરાબ છે. 16થી વધારે ગુનાઓમાં એની ધરપકડ થઈ ચૂકેલી, ચાર વખત પાસા થઈ ચૂકેલી અને તડીપાર થઈ ચૂકેલો બહુ જ રીઢો ગુનેગાર મોહિનુદ્દીનને પોતાને સેલ્ફ ઇન્જરી કરવાની આદત, પોતાને નશો કરવાની ટેવ, નશો ન મળે તો ખુદને નુકસાન કરી શકે એવું એનું બેકગ્રાઉન્ડ.

