લીલીયાના સાજણટીંબા ગામ નજીક જોખમી પુલ 2 વર્ષથી બંધ
'સાવધાન'નું બોર્ડ લગાવીને તંત્રવાહકો ગાયબ : 10 ગામના લોકોને 15 KM ફરીને જવાની લાચારી, : S.T. બસ અને એમ્બ્લુયન્સ પણ આવી શકતી નહીં હોવાથી જર્જરીત પુલનું ત્વરિત નવીનીકરણ કરવા માંગ
અમરેલી, : અમરેલી જિલ્લા પંચાયત હસ્તકના દામનગર-અમરેલીને જોડતા મુખ્ય માર્ગ ઉપર આવેલા સાજણ ટીંબા ગામે ગગડીયો નદી ઉપરનો પુલ છેલ્લા બે વર્ષથી તંત્ર દ્વારા બંધ કરી દેવાયો છે. જેના કારણે આસપાસનાં 10 ગામના લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં એક પણ એસટી બસ નથી આવી શકતી, જેના કારણે વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે પોતાના ખાનગી વાહનો લઇ મુકવા જવા પડે છે. ઇમરજન્સી 108 પણ અહીં સીધી નથી આવી શકતી અને દર્દીઓ કે પ્રસૂતાને હોસ્પિટલ લઇ જવા માટે ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે.
લીલિયા તાલુકાના સાજણટીંબા ગામે આવેલો ગગડીયો નદી ઉપરનો પુલ જૂનો અને જર્જરિત થઇ ચૂક્યો હતો, કોઇ ગંભીર અકસ્માત ન સર્જાય તેના માટે તંત્ર દ્વારા આ પુલ ઉપર માટી નાખી છેલ્લા બે વર્ષથી અવરજવર બંધ કરી દેવામાં આવી છે. લોકોને હાલાકી ના પડે તેના માટે નદીમાં બે મોટા ભૂંગળાવાળું ડાઇવર્ઝન કાઢવામાં આવ્યું છે, પરંતુ તે માત્ર નામ પૂરતું છે. કારણ કે નદીમાં પુરના પાણી આવતાં બધી માટી તણાઇ જાય છે અને રસ્તો બંધ થઇ જાય છે.
દામનગરથી અમરેલીને જોડત આ મુખ્ય માર્ગ હોવાને કારણે ગુંદરણ, આસોદર, હરિપર, સાજણટીંબા સહિત 10 ગામોના લોકોને અવારનવાર લીલિયા અને અમરેલી જવાની ફરજ પડે છે. ા ગામડાઓમાંથી વિદ્યાર્થીઓ પણ લીલીયા અને અમરેલી અપડાઉન કરે છે. એક પણ એસટી બસ નહીં આવવાના કારણે વિદ્યાર્થીઓ શાળાએ મોડા પહોચે છે અથવા જઇ શકતા નથી. અહીં આસપાસના વિસ્તારમાં સિંહ-દીપડા જેવા વન્ય પ્રાણીઓ વસવાટ કરતા હોવાના કારણે બાળકોને તેમના માતા-પિતા એકલા મૂકી પણ નથી શકતા. તેમજ દર્દીઓ માટે એમ્બ્લુયન્સ પણ સીધી નથી આવી શકતી. હોસ્પિટલ જવા માટે આશરે 15 કિલોમીટર ફરીને જવું પડે છે. જેના કારણે સમય પણ વધુ લાગે છે. તંત્રના પાપે પ્રસુતાઓને હોસ્પિટલ પહોંચાડવા માટે પણ ખુબ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે સાજણટીંબા ગામના સરપંચ સહિત તમામ ગામના લોકો દ્વારા તાત્કાલિક પુલ બનાવવામાં આવે અને વૈકલ્પિક રસ્તો સારો અને પાક્કો કરવામાં આવે તેવી માંગ કરી છે.
ધારાસભ્યએ જવાબ આપવાનું ટાળીને કહ્યું 'અધિકારીને પૂછો'
આ બાબતે લીલિયા મત વિસ્તારના ધારાસભ્ય મહેશ કસવાળા સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ જવાબ આપવાનું ટાળ્યું હતું અને અધિકારી પાસે માહિતી મેળવવા જણાવ્યું હતું. બાદમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારી સાથે ટેલિફોનિક વાત કરતાં તેઓએ જણાવ્યું હતું કે આ પુલનું ટેન્ડર થઇ ગયું છે અને એજન્સી પણ નક્કી થઇ ગઇ છે. ટૂંક સમયમાં આ કામ શરૂ કરવામાં આવશે.