ડાંગ જિલ્લામાં અંબિકા નદી પરનો બ્રિજ જોખમી, ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધનો તંત્રનો નિર્ણય
Dang News: પાદરા-આંકલાવને જોડતો ગંભીરા બ્રિજ પત્તાની મહેલની જેમ ધરાશયી થતાં 20 નિર્દોષ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ દુર્ઘટના પછી રાજ્યના જર્જરિત બ્રિજના તપાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે ડાંગ જિલ્લામાં જોખમરૂપ જાહેર કર્યા છે. વઘઈ-સાપુતારા રોડ પર આવેલો અંબિકા નદી પરનો નંદિ ઉતારા બ્રિજ ભારે કમર્શિયલ વાહનોની અવરજવર માટે આગામી એક વર્ષ માટે બંધ કર્યો છે.
નાના વાહનો માટે બ્રિજ ચાલુ રહેશે
મળતી માહિતી અનુસાર, ડાંગ જિલ્લામાં નંદિ ઉતારા બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ બ્રિજને ક્રિટિકલ પુઅર એટલે કે અત્યંત નબળી કેટેગરીમાં મૂકવામાં આવ્યો હતો. જને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નાના વાહનો માટે બ્રિજ ચાલુ રાખવા અને ભારે કોમર્શિયલ વાહનો માટે પ્રતિબંધ મૂકવા આવ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટે બ્રિજ પરથી ભારે કમર્શિયલ વાહનોની અવરજવર પર એક વર્ષ માટે પ્રતિબંધ ફરમાવ્યો હતો. નોંધનીય છે કે, સાપુતારા તેમજ મહારાષ્ટ્ર તરફ જવા માટે હવે હથગઢથી વાંસદા અને હથગઢથી ધરમપુર વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી શકાશે.
આ પણ વાંચો: 20 લોકોના મોત બાદ સરકારને ડહાપણ સુઝ્યું, હવે 212 કરોડ રૂ.ના ખર્ચે નવો ગંભીરા બ્રિજ બનશે
રાજ્ય સરકારે 94 બ્રિજની તપાસ માટે અધિકારીઓને સૂચના આપી
ઉલ્લેખનીય છે કે, ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે. રાજ્ય સરકારે જિલ્લા કલેક્ટરોને માર્ગ અને મકાન વિભાગ સાથે સંકલન કરીને બ્રિજની ચકાસણી કરવા માટે સૂચના આપી છે. સરકારે રાજ્યના 94 બ્રિજની તપાસ માટે અધિકારીઓને સૂચનાઓ આપી છે. રાજ્યમાં સલામતિના ભાગરૂપે 36 જોખમી બ્રિજ બંધ કરાયા છે. રાજ્યભરમાં હાલ 7280 બ્રિજ છે. જેમાં 1500થી વધુ મેજર અને 5 હજારથી વધુ માઈનર બ્રીજ છે. તમામ બ્રીજની તપાસ પૂર્ણ થયા બાદ રાજ્ય સરકારને વર્તમાન સ્થિતિ પર અવગત કરાશે.