Get The App

ડાંગ જિલ્લામાં વરસાદના પગલે પૂર્ણા, અંબિકા સહિતની નદીઓએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, તંત્ર એલર્ટ

Updated: Jul 5th, 2025

GS TEAM

Google News
Google News
ડાંગ જિલ્લામાં વરસાદના પગલે પૂર્ણા, અંબિકા સહિતની નદીઓએ  ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, તંત્ર એલર્ટ 1 - image


Rain In South Gujarat: હાલ રાજ્યમાં પૂરજોશમાં ચોમાસું જામ્યું છે. ત્યારે સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેરના પગલે નદી-નાળા છલકાયા છે. ચોમાસા દરમિયાન દક્ષિણ ગુજરાતમાં કેરળ જેવી હરિયાળી છવાઇ જતાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. તો બીજી તરફ ઉપરવાસમાં ભારે વરસાદના પગલે અંબિકા, પૂર્ણા, મીંઢોળા, ઓલન, અને ઝાખરી નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. તાપી જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા, અંબિકા, ખાપરી સહિતની નદીઓ ભયજનક સપાટી વટાવી બે કાંઠે વહી રહી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થયું છે.

ડાંગ જિલ્લામાં સતત પડી રહેલા વરસાદના લીધે નદી, નાળા, ઝરણાં અને ડેમ છલકાયા છે. ઘણી જગ્યા તબાહીના દ્વશ્યો પણ સામે આવ્યા છે. ડાંગની જિલ્લામાં આવેલો ગીરાધોધ પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ છે. ત્યારે ભારે વરસાદના લીધે હાલમાં ગીરાધોધ પાસે જવાની મનાઇ ફરમાવી દેવામાં આવી છે. 



આ પણ વાંચો: હવે બનાસકાંઠાના પાણિયારી ધોધની મજા નહીં માણી શકાય! તંત્રએ મૂક્યો પ્રતિબંધ

વરસાદની સતત વધતી તીવ્રતાને જોતા જિલ્લા વહીવટી તંત્ર સતર્ક થઇ ગયું છે. જિલ્લા કલેક્ટર દ્વારા સંબંધિત વિભાગોને એલર્ટ રહેવા અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ રહેવાના આદેશ આપ્યા છે. ખાસ કરીને નદી કિનારે આવેલા ગામો અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અને નદી કિનારે ન જવા અપીલ કરવામાં આવી છે.

સ્થાનિક હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. NDRF અને SDRFની ટીમોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જેથી કોઈ પણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક મદદ પૂરી પાડી શકાય.

ગુજરાતમાં 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં 3.7 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે બનાસકાંઠાના કાંકરેજમાં 3.5 ઈંચ, સુરેન્દ્રનગરના લખતરમાં 3.4 ઈંચ, વલસાડમાં 3.23 ઈંચ, વાપીમાં 3.15 ઈંચ, વાવ તાલુકામાં 3.0 ઈંચ અને કલ્યાણપુરમાં 3.0 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે શનિવારે હવામાન વિભાગે 10 જેટલા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. 

10થી વધુ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

હવામાન વિભાગની આગાહી મુજબ, શનિવારે (પાંચમી જુલાઈ) સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં અતિભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ અને બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે.


Tags :