રાજકોટ નવરાત્રિમાં જ્ઞાતિઓ દ્વારા યોજાતા દાંડિયારાસનું ચલણ વધ્યું
સોમવારથી નવરાત્રિનો પ્રારંભ, શહેરમાં 500થી વધુ સ્થળે ગરબી અર્વાચીન દાંડિયારાસ અને ગરબીના આયોજન ખર્ચમાં 20 ટકાનો વધારો, યુવાનો-પરિવારોમાં વિવિધ સ્થળે રમવા જવાના વન-ડે પાસનું પણ ચલણ
રાજકોટ, : સતત બે વર્ષ દાંડિયારાસના આયોજનો કોરોનાને કારણે થઈ શક્યા નથી ત્યારે હવે ચોમાસાની વિદાય શરૂ થઈ હોય અને કોરોનાની વિદાય થઈ ગયાનું લોકો માની રહ્યા છે ત્યારે નવરાત્રિ મહોત્સવ ઉજવવા ઉત્સાહનું ઘોડાપૂર વર્તાઈ રહ્યું છે.નવરાત્રિમાં વિવિધ ગૂ્રપ દ્વારા હાઈફાઈ દાંડિયારાસના આયોજન ઉપરાંત આ વખતે જ્ઞાાતિ-સમાજો દ્વારા થતા દાંડિયારાસના વન-ડે અને નવ દિવસ માટેના આયોજનોનું ચલણ વ્યાપક રીતે વધ્યું છે.
રાજકોટમાં લેઉઆ અને કડવા પાટીદાર સમાજ, લોહાણા, સિંધી, બ્રાહ્મણ, જૈન, લુહાર સહિત અનેકવિધ જ્ઞાાતિઓના તેમજ વિવિધ સંગઠનો પણ દાંડિયારાસના આયોજનો કરી રહ્યા છે. આયોજકોના સૂત્રો અનુસાર આયોજનનો ખર્ચ બે વર્ષ પહેલા થતો તેના કરતા હવે મંડપ, કલાકારો, નાસ્તો, લ્હાણીમાં અપાતી વસ્તુ, સાઉન્ડ સીસ્ટમ, લાઈટ ડેકોરેશન વગેરેમાં જી.એસ.ટી. અનેભાવ વધારાની અસરથી આયોજનમાં ૨૦થી ૩૦ ટકા વધારે ખર્ચ થઈ રહ્યો છેઆને પગલે પાસની કિંમત પણ વધારાઈ છે.
શહેરમાં પાંચસોથી વધુ સ્થળે ગરબીના આયોજનો પણ આ વખતે ઉત્સાહપૂર્વક યોજાયા છે અને આજે અનેક સ્થળે મંડપો પણ લાગવાનું શરૂ થઈ ગયું હતું. ગરબીની પ્રેક્ટીસ પૂર્ણતાના આરે છે. બજારમાં પરંપરાગત ચણિયાચોળી ઉપરાંત હવે લાઈટવેઈટ વસ્ત્રોની માંગ પણ નીકળી છે.
દરમિયાન, આ વર્ષે એક જ આયોજનમાં નવ રાત્રિ મિત્રો,પરિવારજનો,ગુ્રપ સાથે રમવા જવાને બદલે જુદા જુદા સ્થળે રમવા વન-ડે પાસની ડિમાન્ડ પણ અગાઉ કરતા વધુ રહી છે. સાઉન્ડ સીસ્ટમ વધુને વધુ વોટ્સની રખાતા અને તે એક જ સ્થળે ફીક્સ કરાતી હોય ત્યાં આજુબાજુમાં રીતસર કાનના પડદાં ફાટી જાય તેવો અવાજ આવતો હોય છે જેના પગલે સરાઉન્ડ અને માઈલ્ડ સાઉન્ડ તરફ પણ કેટલાક આયોજકો વળ્યા છે.
એકંદરે રાજકોટમાં 10 લાખ લોકો ગરબીમાં અને આશરે 4 લાખ લોકો અર્વાચીન દાંડિયારાસમાં રમઝટ બોલાવવા થનગની રહ્યા છે અને નવરાત્રિને વેલકમ કરવા અત્યારથી દાંડિયારાસના આયોજનો તો રોજેરોજ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં નવરાત્રિના નવ દિવસની આગળ પાછળના એકાદ સપ્તાહ સુધી દાંડિયારાસનો સિલસિલો જારી જ રહેતો હોય છે, જો કે પોલીસકમિશનર દ્વારા માત્ર નવ રાત્રિ માટે જ રાત્રિના 12 સુધી અને અન્ય દિવસોમાં રાત્રિના 10 સુધી જ માઈક,લાઉડસ્પીકરની કાયદાનુસાર છૂટ આપી છે.
લાઠીમાં 156 વર્ષથી નવરાત્રિની નાટય મહોત્સવથી અનોખી ઉજવણી : રાજાશાહી વખતની પરંપરા પાંચ પેઢીઓ પછી અવિરત તા. 26થી 5 ઓક્ટોબર ઐતહાસિક નાટકો ભજવાશે, દાનની રકમથી આખુ વર્ષ પંખીઓને ચારો અપાય છે
કવિ કલાપીના ધામ લાઠીમાં 156 વર્ષથી નવરાત્રિ ઉજવણીની એક આગવી અને જીવદયાપ્રેમી પરંપરા આજે પણ ઉત્સાહપૂર્વક જળવાઈ છે. આ દિવસે સંસ્કૃતિ,ધર્મ, ઈતિહાસ અને સમાજ જીવનનું પ્રતિબિંબ ઝીલતા રોજ નવા નવા નાટકો ભજવાશે અને તેમાં દાનનો ઉપયોગ આખુ વર્ષ પંખીઓને ચણ નાંખવામાં થાય છે. દોઢસો સદી પૂર્વે થયેલા લાઠીના સંત શ્રી વસંતદાસજી બાપુએ સ્થાપેલા મહાકાળી નવરાત્રિ નાટક મંડળ દ્વારા આજે પણ આ પરંપરા જળવાઈ છે.
આ અદ્ભૂત નવરાત્રિ નાટયમહોત્સવ આ વર્ષે સોમવાર તા. 26થી શરૂ થશે જેાં (1) તા. 26ના પૃથ્વીરાજ ચૌહાણ (2) તા. 27ના રણુજાના રાજા રામદેવપીર (3) તા. 28ના રા'નવઘણ (4) તા. 29ના ઘર ઘુંઘટ અને ઘરચોળું (5) તા. 30ના કાશ્મીરના મોરચે (6) તા. 1 શનિવારે સોમનાથની સખાતે (7) રવિવાર તા. 2ના અમર દેવીદાસ (8) તા. 4ના જેસલ તોરલ (9) તા. 4ના રાજા ભરથરી અને (10) પૂર્ણાહુતિના દિવસ તા. 5ના જય ચિતોડ નામના નાટક ભજવાશે. પાંચ પાંચ પેઢીઓ પછી આ નાટક મંડળીએ આ પરંપરાને જીવંત રાખી છે અને મંડળના 70 સભ્યો શ્રાવણ માસથી આ નાટકની તૈયારીઓ કરે છે. નાટક નિહાળવા દૂર દૂરથી લોકો આવતા હોય છે જેમાં રોકડ કે અનાજ સ્વરૂપે દાન અપાય તે પંખીઓના ચારા માટે વપરાય છે.