મિનરલ વોટરની આડમાં દમણથી દ્વારકા લઈ જવાતો 39 લાખનો દારૂ ઝડપાયો
- દ્વારકા પહોંચે તે પૂર્વે ટ્રક ધંધુકા લીંમડી 3 રસ્તેથી ઝડપાયો
- ધંધુકા પોલીસે દારૂ-બિયર ઉપરાંત ટ્રક સહિત રૂા. 46.12 લાખનો મુદ્દામાલ સાથે ચાલકને ઝડપ્યોઃ જથ્થો મંગાવનાર અને મોકલનારના નામ ખુંલ્યાં
ધંધુકા : મિનરલ વોટરની આડમાં રૂા.૩૯.૩૯ લાખનો દારૂ-બિયરનો જથ્થો છૂપાવી દમણથી દ્વારકા જતાં ટ્રકને ધંધુકા પોલીસે લીંમડી ત્રણ રસ્તા પાસેથી ચાલક સાથે ઝડપી પાડયો હતો. જયારે, આ જથ્થો મંગાવનાર અને મોકલનાર બન્ને બુટલેગરના નામ ખુલતાં પોલીસે ત્રણેય વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.
ધંધુકા પોલીસને બાતમી મળી હતી કે, ફેદરાથી ધંધુકા તરફ આવી રહેલાં ટ્રકમાં મિનરલ વોટરની આડમાં વિદેશી દાર- બિયરનો મસમોટો જથ્થો સંતાડવામાં આવ્યો છે. જે બાતમીના આધારે ધંધુકા પોલીસ વૉચમાં હતી ત્યારે ધંધુકાના લીંમડી ત્રણ રસ્તા પાસ પોલીસે બાતમીવાળા ટ્રક નંબર જીજે.૨૫.ટી.૯૪૫૯ને શંકાના આધારે અટકાવ્યો હતો અને તેમાં તપાસ કરતા ટ્રકમાં મિનરલ વોટરની બોટલના કેરેટ નીચે છૂપાવેલી વિદેશી દારૂની મોટી ૯૬૦ બોટલ, નાની ૫૧૮૪ તથા પ્લાસ્ટિકની નાની૪૩૬૮ બોટલો મળી આવી હતી. ઉપરાંત,તેની સાથે બિયરની ૧૬૩૨ બોટલ મળી કુલ રૂ.૩૯,૩૯,૮૪૦ની કિંમતનો ભારતીય બનાવટનો દારૂ અને બિયરનો જથ્થો ઝડપાઈ ગયો હતો. સાથે જ ટ્રક તથા પાણીની બોટલોના ૮૭૫ કેરેટ અને મોબાઈલ મળી કુલ રૂા.૪૬,૧૨,૩૪૦ ના મુદ્દામાલ સાથે ટ્રકચાલક અમરા ગલાભાઈ મોરી (રહે.રાણપર,તા.ભાણવડ,જી.દેવભૂમિ દ્વારકા)ની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ પૂછપરછમાં ટ્રકચાલક આ જથ્થો તેમના ગામના નાગા રાજાભાઈ કોડીયાતરના કહેવાથી લાવ્યો હોવાનું અને દમણથી અજાણ્યા શખ્સે ભરી આપ્યો હોવાની કબૂલાત આપી હતી. ધંધુકા પોલીસે ટ્રકચાલક સહિત ત્રણેય વિરૂદ્ધ ધંધુકા પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ તળે ફરિયાદ નોંધી ફરાર બન્ને બુટલેગરને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા.
પાણીની બોટલોના ખોટા ટેક્સ ઈન્વોઈસ બીલ બનાવ્યા
પોલીસની તપાસમાં ટ્રકની કેબિનમાંથી મહાદેવ એજન્સીના નામના જીએસટી બીલ મળી આવ્યા હતા અને બીલની પાછળના ભાગે ઈ-વે બીલ તથા એમવી ટ્રાન્સપોર્ટ સર્વિસ કન્સાઈન કોપી લખેલાં બીલ મળી આવ્યા હતા. જે અંગે ઝડપાયેલા ઈસમે જણાવ્યું હતું કે, દારૂ ભરી આપનારા વ્યક્તિએ તેને આ ખોટા બનાવેલા બીલ આપ્યા હતા.