- હાઈકોર્ટના આદેશ બાદ મહાનગરપાલિકા એક્શન મોડમાં, 18,000 થી વધુ રખડતાં શ્વાન પકડશે
- એક શ્વાન પાછળ અંદાજે રૂ. 800 થી 1000 કોન્ટ્રાક્ટરને ચૂકવાશે, ડિસેમ્બર પછી કામગીરી શરૂ કરાશે, તમામ શ્વાનનું ખસીકરણ અને ટ્રીટમેન્ટ કરવામાં આવશે
આણંદ : કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા વિસ્તારમાં રખડતા શ્વાનની સમસ્યાને નિયંત્રણમાં લેવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ મનપા હવે આણંદ, વિદ્યાનગર, કરમસદ, ગામડી, જીટોડીયા, અને મોગરી સહિતના વિસ્તારોમાં અંદાજિત ૧૮,૦૦૦થી વધુ રખડતા શ્વાનને પકડવાની કામગીરી શરૂ કરશે. આ કામગીરી માટે મનપા દ્વારા રૂ. ૧.૮૦ કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ દાહોદ સ્થિત 'સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ' નામની કંપનીને આપવામાં આવ્યો છે.
કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં રખડતા શ્વાનની વધતી જતી સમસ્યા પર અંકુશ મેળવવા માટે મહાનગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટના આદેશને પગલે હવે મનપા એક્શન મોડમાં આવી ગઈ છે અને વિસ્તારમાંથી અંદાજિત ૧૮,૦૦૦થી વધુ રખડતા શ્વાનને પકડવા માટે યોજના બનાવી રહી છે. આ કામગીરી માટે મનપા રૂ. ૧.૮૦ કરોડનો જંગી ખર્ચ કરશે. આ કામગીરી માટે મનપા દ્વારા દાહોદની 'સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ' નામની કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
કોન્ટ્રાક્ટ મુજબ, પકડવામાં આવનાર પ્રતિ શ્વાન દીઠ મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને અંદાજિત રૂ. ૮૦૦થી રૂ. ૧,૦૦૦ જેટલી રકમ ચૂકવવામાં આવશે. આ કામગીરીનો પ્રારંભ ડિસેમ્બર મહિના પછી થવાની શક્યતા છે. મહાનગરપાલિકાના સમાવિષ્ટ વિસ્તારમાં આણંદ શહેરની આસપાસના મુખ્ય વિસ્તારો જેવા કે આણંદ, વિદ્યાનગર, કરમસદ, ગામડી, જીટોડીયા, મોગરી, ગાનો સહિતના વિસ્તારનો સમાવેશ થાય છે. આણંદ શહેરથી લગભગ ૪ કિલોમીટરના વર્તુળમાં આવેલા આ વિસ્તારોમાં રખડતા શ્વાનોની સમસ્યાને હળવી કરવા માટે મનપા સક્રિય આયોજન કરી રહી છે.
પકડવામાં આવેલા શ્વાનનું ખસીકરણ અને ટ્રીટમેન્ટ કરાશે : મનપા ડેપ્યુટી કમિશનર
કરમસદ-આણંદ મનપાના ડેપ્યુટી કમિશનર એસ.કે ગરવાલે જણાવ્યુ હતું કે, કોન્ટ્રાક્ટર દ્વારા પકડવામાં આવેલા શ્વાનને અમીન ઓટો પાસે મનપાની જગ્યામાં એકત્ર કરવામાં આવશે, જ્યાં વેટેનરીના ડૉક્ટરો દ્વારા તમામ શ્વાનનુંં ખસીકરણ કરાશે અને તેની ટ્રીટમેન્ટ કરવામાં આવશે. તેમજ શ્વાન માટે આ જગ્યામાં ખોરાક-પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવશે. ખસીકરણ કર્યા પછી તંદુરસ્ત થયેલા તમામ શ્વાનને છોડી મૂકવામાં આવશે.


