ઝાલોદના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ એટલે સંઘર્ષ: જીવના જોખમે ધસમસતા પાણીના પ્રવાહને પાર કરી પહોંચવું પડે છે શાળાએ
Dahod News : ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ થતાં નદી-નાળા છલકાયા છે. ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં પુલ અને રસ્તાના અભાવે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. તેવામાં દાહોદના ઝાલોદ તાલુકાના વાંકોલ ગામથી આવા જ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં વિદ્યાર્થીઓ જીવના જોખમે પાણીના ધમમસતા પ્રવાહમાંથી પસાર થઈને શાળાએ જાય છે.
મળતી માહિતી મુજબ, ઝાલોદ તાલુકાની ડુંગરીની માધ્યમિક શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ગાંગી કોતરના પાણીના પ્રવાહમાંથી પસાર થઈ રહ્યા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ વીડિયો જ વિદ્યાર્થીઓની વેદના અને પરિસ્થિતિથી વાકેફ કરાવે છે. વીડિયોમાં જોવા મળે છે કે, વિદ્યાર્થીઓ શાળાના યુનિફોર્મમાં પાણીના પ્રવાહમાંથી પસાર થઈ રહ્યા છે. એક પછી એક વિદ્યાર્થીઓ પાણીમાંથી નીકળી રહ્યા છે, ત્યારે એક વિદ્યાર્થિની પગ લપસતા પાણીમાં પડે છે.
તમને જણાવી દઈએ કે, ડુંગરીની પ્રાથમિક શાળામાં થાળા, પીપળીયા, કચુબર, વાંકોલ સહિતના ગામના 1000થી વધુ બાળકો અભ્યાસ કરે છે. પુલ અને રસ્તાના અભાવે શિક્ષણ મેળવવા જતાં વિદ્યાર્થીઓને મજબૂરીના કારણે પાણીના પ્રવાહમાંથી પ્રસાર થવું પડે છે, ત્યારે જો કોઈ પ્રકારે જાનહાનિ કે દુર્ઘટના સર્જાશે તો તેનું જવાબદારી કોણ રહેશે તેવા સવાલો વાલીઓએ કર્યા હતા. જ્યારે પુલ અને રસ્તો બનાવવા માટે સ્થાનિકોએ અનેક વખત વહીવટીતંત્રને રજૂઆત કરી હોવાનું સામે આવ્યું છે, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી.