દાહોદ જિલ્લાનો અનોખો 'ગાય ગોહરી' ઉત્સવ: જ્યાં ખેડૂતો પશુધનના ટોળા નીચે દંડવત પ્રણામ કરીને પ્રાયશ્ચિત કરે છે

Dahod: પ્રકાશના પર્વ દિવાળી અને નવા વર્ષની ઉજવણી સમગ્ર ગુજરાતમાં વિવિધ રીતે થાય છે, પરંતુ આદિવાસી બહુમતી ધરાવતા દાહોદ જિલ્લામાં નવા વર્ષના દિવસે એક એવી અનોખી અને રોમાંચક પરંપરા ઉજવાય છે, જેને નિહાળવા માટે દેશ-પરદેશથી હજારો લોકો ઉમટી પડે છે. આ પરંપરાનું નામ છે 'ગાય ગોહરી' ઉત્સવ.
દાહોદ જિલ્લાના ગરબાડા, ગાંગરડી, અભલોડ અને લીમડી જેવા ગામોમાં વર્ષોથી આ પર્વ ધાર્મિક આસ્થા અને સાહસના સમન્વય સાથે ઉજવવામાં આવે છે. આ ઉત્સવ ખેડૂત અને તેના પશુધન વચ્ચેના પવિત્ર સંબંધને દર્શાવે છે.
શણગાર અને ધાર્મિક શરૂઆત
નવા વર્ષના દિવસે વહેલી સવારથી જ ખેડૂતો પોતાના પશુધનને શણગારવાનું શરૂ કરી દે છે. ગાયો અને બળદોને ઘુઘરા, માથે મોરપીંછ, મોરિંગા, ફુગ્ગા, કલર અને મહેંદીથી સજાવવામાં આવે છે. શણગાર બાદ ગામના મુખ્ય બજારમાં આવેલ માતાજીના મંદિરમાં અન્નકૂટ આરતી કરવામાં આવે છે અને ત્યાર બાદ ઢોલ-નગારાના તાલે અને ફટાકડાના અવાજ સાથે 'ગાય ગોહરી' ઉત્સવનો પ્રારંભ થાય છે.
દિલધડક દંડવત પ્રણામની પરંપરા
આ ઉત્સવનું સૌથી આકર્ષક અને દિલ ધડક દ્રશ્ય ત્યારે સર્જાય છે જ્યારે શણગારેલા અને ઉત્તેજિત પશુઓના ટોળાને ગામના ચોકમાં દોડાવવામાં આવે છે. આ દોડતા પશુઓના ધણની નીચે, માનતા રાખેલા અનેક ખેડૂતો જમીન પર ઊંધા સૂઈને દંડવત પ્રણામ કરે છે અને સેંકડો પશુઓને પોતાના શરીર પરથી પસાર થવા દે છે.
પ્રાયશ્ચિત અને આશીર્વાદની ભાવના
આ સાહસિક પરંપરા પાછળ એક ગહન માન્યતા અને ભાવના રહેલી છે. ખેડૂતો માને છે કે આખું વર્ષ ખેતી અને અન્ય કામો માટે પશુઓનો ઉપયોગ કરવામાં આવે છે અને ક્યારેક ભૂલથી તેમની સાથે મારપીટ પણ થઈ હોય છે. આ 'ગાય ગોહરી' ઉત્સવ એ વર્ષ દરમિયાન પશુઓ પ્રત્યે થયેલા દુર્વ્યવહારના પ્રાયશ્ચિત સ્વરૂપે ઉજવવામાં આવે છે. નવા વર્ષના દિવસે પશુઓ પાસેથી કામ ન લેતા, તેમને સન્માન આપીને દંડવત પ્રણામ દ્વારા માફી માંગવામાં આવે છે. આ રીતે માફી માંગવાથી આવનારું નવું વર્ષ સારું નીવડે તેવી આદિવાસી સમાજની શ્રદ્ધા છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વર્ષો જૂની આ પરંપરામાં આજ દિન સુધી કોઈને ગંભીર ઈજા કે નુકસાન થયું હોવાનું જોવા મળ્યું નથી. હજારો લોકોની ભીડ વચ્ચે સુરક્ષિત રીતે ઉજવાતો આ ઉત્સવ દાહોદ જિલ્લાની આદિવાસી સંસ્કૃતિની ધાર્મિક આસ્થા અને પશુધન પ્રત્યેના અદ્ભુત પ્રેમનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે.