Get The App

હાઇવે પર લૂંટ તેમજ મર્ડર કરતી ડફેર ગેંગ પકડાઈ, વડોદરામાં લૂંટ અને મર્ડરની કબુલાત

Updated: Oct 17th, 2024

GS TEAM


Google News
Google News
હાઇવે પર લૂંટ તેમજ મર્ડર કરતી ડફેર ગેંગ પકડાઈ, વડોદરામાં લૂંટ અને મર્ડરની કબુલાત 1 - image

image : Freepik

Vadodara Robbery Case : વડોદરાના મકરપુરા વિસ્તારમાં હાઇવે પર લૂંટ કરતી ડફેર ગેંગના ત્રણ સાગરીતોને ઝડપી પાડવામાં આવ્યા છે. ટોળકીએ એક ટ્રક ડ્રાઇવરની હત્યા તેમજ કાર ચાલકને લૂંટી લેવાના બનાવની કબુલાત કરી છે.

વડોદરાના મકરપુરા વિસ્તારમાં એરફોર્સ નજીક ગઈ તા.17મી માર્ચે રાત્રે કાર પાર્ક કરીને પેશાબ કરવા ઉતરેલા એક કાર ચાલકને ખેતરમાં ઢસડી જઈ મોબાઈલ તેમજ રોકડ રકમ લૂંટી લેવાનો બનાવ બન્યો હતો. આ બનાવ બાદ તા.25 એપ્રિલે મેરાજ ખાન નામના ટ્રક ડ્રાઇવરને તેના જ કપડા વડે બાંધીને ખેતરમાં માર મારવામાં આવ્યો હોવાનો તેમજ ક્લીનરને મારીને રોકડા રૂ.5,000 લૂંટી લેવાનો બનાવ બન્યો હતો.

ઉપરોક્ત બંને બનાવોમાં પોલીસે સીસીટીવી તેમજ અન્ય સોર્સ મારફતે જુદી-જુદી દિશાઓમાં તપાસ કરી હતી. આ જ પ્રકારના હાઇવે પર લૂંટના બનાવ અમદાવાદ તેમજ નડિયાદમાં પણ બન્યા હોવાથી ત્યાંની પોલીસ સાથે સંકલન કરીને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ડફેર ગેંગના સાગરીતોને ઝડપી પાડ્યા છે.

પકડાયેલાઓમાં (1) અહેમદ ઉર્ફે ટોડા શકુર મોરી (શિયાણી ગામ, સુરેન્દ્રનગર)(2) હાજી દાઉદભાઈ મોરી(બાજરડા ગામ, ધંધુકા) અને (3) કાળુ ઉર્ફેટીનો ઉર્ફે સમીર ઉમરભાઈ ખારાઇ (મીઠાપર ગામ, બાવળા) ને ઝડપી પાડતા વડોદરાના બંને લૂંટ તેમજ મર્ડરના ગુનાની કબુલાત કરી છે. આવી જ રીતે નડિયાદ તેમજ અમદાવાદ હાઈવે પર આચરેલા ત્રણ જેટલા ગુનાનો પણ ભેદ ઉકેલાયો છે.

Tags :