સેલવાસના સામરવરણીમાં પિતાએ 2 વિકલાંગ સંતાનોની હત્યા બાદ ગળે ફાંસો લગાવી કર્યો આપઘાત
Dadra Nagar Haveli : સેલવાસના સામરવરણી વિસ્તારમાં આવેલી ચાલીમાં રહેતા પિતાએ બે સંતાનનું દોરીથી ગળુ દબાવી હત્યા કરી ત્યારબાદ પોતે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો. એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતને પગલે પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પંદર દિવસ અગાઉ પત્ની બે સંતાન અને પતિને છોડી ચાલી ગઇ હતી. પોલીસને ઘટના સ્થળેથી મળેલી સ્યુસાઇડ નોટમાં પત્ની છોડીને ચાલી ગઇ અને બન્ને વિકલાંગ બાળકોની વેદના જોઇ શકાતી નહી હોવા સહિતના મુદ્દાનો ઉલ્લેખ કર્યો છે.
સેલવાસના સામરવણી વિસ્તારમાં આવેલી ચાલીમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતને પગલે પંથકમાં ભારે ચકચાર સાથે અરેરાટી ફેલાઇ ગઇ હતી. પ્રાપ્ત અને પોલીસ સૂત્રો પાસેથી મળતિ વિગત મુજબ એક કંપનીમાં કામ કરતા સુનિલ રામા ભેબરે (ઉ.વ.56) ની રૂમમાંથી શારીરિક અને માનશિક રીતે દિવ્યાંગ બે સંતાન જય (ઉ.વ.18) અને આર્યા (ઉ.વ.10) અને સુનિલની ગત શુકવારે સવારે ભેદી સંજોગોમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. ચાલી માલિક સહિત રહીશો દોડી ગયા બાદ પોલીસ અધિકારી સહિતનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસને સુનિલની ફાસો ખાધેલી હાલત અને બે સંતાનની લાશ મળી આવી હતી.
પ્રાથમિક તપાસ બન્ને સંતાનના ગળાના ભાગે નિશાનો મળી આવ્યા હતા. બન્ને સંતાનનું દોરી વડે ગળુ દબાવી હત્યા કરી હતી. જો કે બન્ને સંતાનોને ઝેર આપ્યું હોવાની પણ ચર્ચા ઉઠી હતી. પોલીસે ત્રણેયની લાશનો કબજો લઇ પી.એમ.માં મોકલી દીધી હતી. બન્ને સંતાનોને ઝેર આપ્યુ કે કેમ તે અંગે સ્પષ્ટ કારણ માટે વિસેરા ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલી દીધા હતા. પોલીસે પિતા સામે બેવડી હત્યાનો ગુનો અને આપધાત અંગે ગુનો નોંધ્યો હતો.