Get The App

મહેમદાવાદમાંથી ડબ્બા ટ્રેડિંગ કોલ સેન્ટરનું રેકેટ ઝડપાયુ

Updated: Oct 18th, 2025

GS TEAM

Google News
Google News
મહેમદાવાદમાંથી ડબ્બા ટ્રેડિંગ કોલ સેન્ટરનું રેકેટ ઝડપાયુ 1 - image


- એસએમસીએ ખાત્રજ ચોકડી પાસે શ્રીનાથ રેસીડેન્સીના ફ્લેટમાં દરોડો પાડી પાંચ શખ્સોને પકડયા

- ફ્યૂચર માસ્ટર ગુ્રપના નકલી એડવાઈઝર બની લાલચ આપી રૂપિયા પડાવતા : નુકસાન ગયું છે કહી રોકાણ નહીં કરી ઠગાઈ આચરતા : 7 મોબાઈલ, ચોપડાં સહિત રૂા. 1.58  લાખનો મુદ્દામાલ જપ્ત


નડિયાદ : ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાની ખાત્રજ ચોકડી નજીક આવેલી શ્રીનાથ રેસીડેન્સીના ફ્લેટમાં ચાલી રહેલા ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ કોલ સેન્ટર પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી પાંચ આરોપીને ઝડપી પાડયા છે. આરોપીઓ શેર બજારમાં રોકાણ પર વધુ કમાણીની લાલચ આપી 'ફ્યુચર માસ્ટર ગુ્રપ'ના નકલી એડવાઇઝર તરીકે ગ્રાહકો પાસેથી પૈસા પડાવી કોઈ રોકાણ કર્યા વિના છેતરપિંડી આચરતા હતા. પોલીસે રોકડ, મોબાઇલ ફોન સહિત કુલ ૧.૫૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના ખાત્રજ ચોકડી-કઠલાલ રોડ પર આવેલી શ્રીનાથ રેસીડેન્સીના મકાન નંબર સી-૩૦૪માં રેડ પાડી હતી. ફ્લેટના રૂમમાંથી પાંચ ઇસમો મળી આવ્યા હતા. જેઓ મોબાઇલ ફોનમાં શેરબજારના ભાવતાલ બાબતે હિન્દી અને ગુજરાતી ભાષામાં વાતચીત કરી રહ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં (૧) વિજયકુમાર સાંકાભાઇ રાવળ (ટીમ હેન્ડલર), (૨) દીક્ષીતકુમાર બાબુભાઇ રાવળ (કોલર), (૩) વિપુલકુમાર પ્રહલાદભાઇ સેનમા, (૪) ગુણવંતજી ચમનજી ઠાકોર અને (૫) પીયુષકુમાર પ્રહલાદજી ઠાકોર (કોલર)નો સમાવેશ થાય છે. તમામ મૂળ વિસનગર, મહેસાણાના રહેવાસી છે. આરોપી વિજયકુમાર રાવળે પૂછપરછમાં કબૂલ્યું હતું કે, તે અને તેનો ભાગીદાર આશીષ બળદેવભાઇ રાવળ ભેગા મળી અલગ-અલગ જગ્યાએ મકાન ભાડે રાખી, માણસોને કોલિંગ માટે ૨૦ ટકા કમિશન આપીને કામે રાખતા હતા. કોલ સેન્ટર ૧૫ દિવસથી ચાલી રહ્યું હતું, જે મકાન અનિલ સાંકાભાઇ રાવળ અને જસ્મીન મહેન્દ્રભાઇ રાવળે માસિક ૬૦૦૦ રૂપિયાના ભાડે રાખ્યું હતું. આરોપીઓ માર્કેટ પૂલસેટ, કોટક નીઓ, એન્જલ વન અને અપ સ્ટોક્સ જેવી શેર બજારની એપ્લિકેશનનો ઉપયોગ કરી, પોતે સેબી-નીફ્ટીનું કોઈપણ લાયસન્સ ધરાવતા ના હોવા છતાં, 'ફ્યુચર માસ્ટર ગુ્રપ'ના એડવાઇઝર તરીકે ખોટી ઓળખ આપી લોકોને છેતરતા હતા. તેઓ એચડીએફસી બેંકના એકાઉન્ટમાં અને પી.એમ. આંગડિયા પેઢી (નડિયાદ) મારફતે હવાલાથી ગ્રાહકો પાસે પૈસા મેળવી રોકાણ કરતા ન હતા. બાદમાં નુકસાન થયું હોવાનું જણાવી છેતરપિંડી આચરતા હતા. પોલીસે ૪ એન્ડ્રોઇડ મોબાઇલ, ૩ કી-પેડ મોબાઇલ, રોકડ રકમ, ચોપડા, પેન સહિત ૧,૫૮,૨૭૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Tags :