6 ઑક્ટોબરે ગુજરાત તરફ ફંટાશે 'શક્તિ' વાવાઝોડું, દીવ-વેરાવળના દરિયામાં કરંટ; જાણો ક્યારે પડશે વરસાદ
Cyclone Shakhti : અરબ સાગરમાં વાવાઝોડું 'શક્તિ' સક્રિય થયું છે, જે હાલ ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ મુજબ, વાવાઝોડું શક્તિ 6 ઑક્ટોબરથી ગુજરાત તરફ યુ-ટર્ન લે તેવી શક્યતા છે, ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સહિતના સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. દીવ-વેરાવળ, દ્વારકા સહિત સૌરાષ્ટ્રના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે, ત્યારે વાવાઝોડાને લઈને તંત્ર ઍલર્ટ મોડમાં છે.
ગુજરાતમાં વરસાદની શક્યતા
હવામાન વિભાગ મુજબ, 'શક્તિ' વાવાઝોડાની અસરને લઈને આગામી 5 દિવસ ભારે પવન ફૂંકાવવાની સાથે હળવા વરસાદની શક્યતા છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે. 8 ઑક્ટોબરે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં હળવાથી સારો એવો વરસાદથી સંભાવના છે.
દીવ-વેરાવળના દરિયામાં કરંટ
ભારતીય હવામાન વિભાગ મુજબ, અરબ સાગરમાં સર્જાયેલું વાવાઝોડું 'શક્તિ'ની અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વર્તાઈ શકે છે. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે, ત્યારે IMDએ માછીમારોને દરિયામાં ન જવા સૂચના આપી છે. જેમાં ગીર સોમનાથના વેરાવળ, દેવભૂમિ દ્વારકા, દીવ સહિતના દરિયામાં ભારે પવન સાથે મોજાં ઉછળી રહ્યા છે.
'શક્તિ' વાવાઝોડાની સ્થિતિ
અરબી સમુદ્રમાં તીવ્ર ચક્રવાત વાવાઝોડું 'શક્તિ' છેલ્લા 6 કલાક દરમિયાન 15 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ દક્ષિણપશ્ચિમ તરફ આગળ રહ્યું છે. રવિવારે (5 ઑક્ટોબર, 2025)ના રોજ ભારતીય સમય મુજબ 1130 કલાકે ઓમાનથી લગભગ 210 કિ.મી. દક્ષિણપૂર્વ તરફ પ્રયાણ કરી રહ્યું છે. 6 ઑક્ટોબરની સવાર સુધીમાં શક્તિ વાવાઝોડું પશ્ચિમ દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધવાનું શરૂ રાખશે અને ધીમે-ધીમે ચક્રવાતી તોફાનમાં ફેરવાશે. ત્યારબાદ ફરી યુ-ટર્ન લેશે અને પશ્ચિમ મધ્ય અને નજીકના ઉત્તરપશ્ચિમ અરબી સમુદ્ર પર લગભગ પૂર્વ તરફ આગળ વધશે. જ્યારે 7 ઑક્ટોબર બપોર સુધીમાં વાવાઝોડું નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાઈ તેવી શક્યતા છે.
સાયક્લોનિકનું 'શક્તિ' નામ કઈ રીત પડ્યું?
સાયક્લોનિકના નામ રાખવાની એક ખાસ પ્રક્રિયા છે. જેમાં બંગાળની ખાડી અને અરબ સાગરમાંથી આવતા તૂફાનોના નામ રાખવાની સિસ્ટમ વર્ષ 2024માં શરુ થઈ હતી. આ સિસ્ટમમાં ભારત, બાંગ્લાદેશ, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઇલૅન્ડ જેવા દેશ સામેલ છે. સાયક્લોનિક 'શક્તિ'નું નામ શ્રીલંકા દ્વારા અપાયું છે. આ એક તમિલ શબ્દ છે જેનો મતલબ 'તાકાત' અથવા 'Power' થાય છે. વાવાઝોડાના નામ રાખતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે છે. જેમ કે, નામ અપમાનજનક ન હોવું જોઈએ. નામ ટૂંકું અને સરળ હોવું જોઈએ. એક વાર ઉપયોગ થઈ ગયા પછી તે નામનો ફરીથી ઉપયોગ ન કરવો જોઈએ, વગેરે.