સુરતના અરબી સમુદ્રમાં 555 કિ.મી દુરથી વાવાઝોડું પસાર, 15 મી સુધી પવનો ફુંકાશે
- સુરત સહિત દક્ષિણ ગુજરાત પરથી જોખમ ટળ્યું, જોકે વરસાદ પડવાની આગાહીઃ 15 મી સુધી વહીવટીતંત્ર એલર્ટ મોડ પર
સુરત
અરબી સમુદ્ર પર સર્જાયેલ વાવાઝોડુ બિપોરજોય આજે સુરત શહેરથી ૫૫૫ કિ.મી દૂરથી પસાર થતા સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં હાલ વાવાઝોડાનો ખતરો ટળ્યો છે. પરંતુ વાવાઝોડાના કારણે આગામી ૧૫ મી જૂન સુધી ભારે પવન ફુંકાવવાનું ચાલુ રહેશે. અને કેટલાક સ્થળોએ વરસાદ પણ વરસી શકે છે.
અરબી સમુદ્ર પર લો પ્રેશર બન્યા બાદ ધીરેધીરે વાવાઝોડામાં પરિવર્તિત થયેલ બિપોરજોય વાવાઝોડાને લઇને સુરત જિલ્લા કલેકટર પાલિકા, ડીજીવીસીએલ સહિત તમામ વહીવટીતંત્ર હાલ એલર્ટ મોડ પર છે. અને છેલ્લા બે દિવસથી ભારે પવન ફુંકાઇ રહ્યો છે. આ પવનની ગતિ કલાકના ૬૦ કિ.મીની ઝડપ પણ નોંધાઇ રહી છે. આથી વહીવટીતંત્ર દ્વારા દરિયાઇ વિસ્તાર સહિત ૪૨ ગામોમાં સતત નજર રાખી રહ્યુ છે. અને સાવચેતીના પગલાં લેવાઇ રહ્યા છે. આ વાવાઝોડુ કઇ દિશામાં ફંટાશે તેને લઇને હવામાનવિદો સતત નજર રાખી રહ્યા છે.
દરમ્યાન આજે આ વાવાઝોડુ સુરત શહેરના અરબી સમુદ્ર થી ૫૫૫ કિ.મી દૂર દરિયામાં આગળ નિકળી ગયુ છે. આથી હાલ સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો ટળ્યો છે. વહીવટી અધિકારીઓના જણાવ્યા મુજબ હાલ ચિંતાનું કોઇ કારણ નથી.પરંતુ આ વાવાઝોડાની અસર તો ૧૫ મી જુન સુધી જ રહેશે. દરિયાકાંઠા વિસ્તાર અને સુરત શહેરમાં ૪૦ થી ૬૦ કિ.મીની ઝડપે પવન ફુંકાવવાનુ ચાલુ રહેશે. વાવાઝોડાનો સુરત પરથી ખતરો ટળ્યો છતા વહીવટીતંત્ર એલર્ટ મોડમાં જ છે. રાઉન્ડ ધી કલોક પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. જયાં સુધી વાવાઝોડુ લેન્ડફોલ નહીં થશે ત્યાં સુધી તંત્ર સાવધાન મોડમાં જ રહેશે.
સુરતથી વાવાઝોડુ પાંચ લોંગીટયુડ દુરથી પસાર થઇ ગયું
વાવાઝોડા પર વોચ રાખી રહેલા હવામાન નિષ્ણાંતો જણાવે છે કે નકશા પર સુરતનો અરબી સમુદ્ર ૭૨ ડિગ્રી ઇસ્ટમાં છે. જયારે આજે આ વાવાઝોડુ પોરબંદરથી ૬૭ ડિગ્રી ઇસ્ટમાંથી પસાર થઇને આગળ કચ્છ અને કંડલા તરફ વધ્યુ છે. આથી આ વાવાઝોડુ સુરતથી પાંચ ડિગ્રી લેગીટયુટથી (રેખાંશ) પસાર થયુ છે. એક ડિગ્રી લેગીટયુટ મુજબ ૧૧૧ કિ.મી થાય છે. એટલે પાંચ ડિગ્રી મુજબ ૫૫૫ કિ.મી દૂરથી પસાર થયુ છે.