Get The App

ગુજરાતમાં વાવાઝોડાનો કેર: 19 મૃત્યુ, ખેતીને ભયંકર નુકસાન

Updated: May 8th, 2025

GS TEAM


Google News
Google News
ગુજરાતમાં વાવાઝોડાનો કેર: 19 મૃત્યુ, ખેતીને ભયંકર નુકસાન 1 - image


- સતત ત્રણ દિવસથી પવન, કરાં, વરસાદ: મહુવામાં સૌથી વધુ 7 ઈંચ ખાબક્યો

- તોફાની પવન સાથે વરસાદની આગાહી: બુધવારે ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગરમાં રેડ એલર્ટ અપાયું

- 26 પશુએ પણ વરસાદમાં જીવ ગુમાવ્યો 

અમદાવાદ : વણનોતરેલા અતિથિ જેમ આવેલા કમોસમી વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. મંગળવારે ૧૦૩ તાલુકામાં માવઠું પડયું હતું. જેમાં ભાવનગરના મહુવામાં ચાર કલાકમાં ૬ ઈંચ સહિત કુલ ૭ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય ૪૦ જેટલા તાલુકામાં અડધા  ઈંચથી પણ વધુ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા બુધવારે ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગરમાં  ભારે વરસાદ માટે રેડ એલર્ટ અપાયું છે. બીજી બાજુ ગુજરાતમાં કમોસમી વરસાદે કેર મચાવતાં એક જ દિવસમાં ૧૯ વ્યક્તિના મોત થયા છે. જેમાં ચાર વ્યક્તિએ ઝાડ, ૩ વ્યક્તિએ વીજળી, ૩ વ્યક્તિએ ઝાડ , બે વ્યક્તિએ હોર્ડિંગ જ્યારે ૧-૧ વ્યક્તિએ મકાન-દીવાલ પડવાથી જીવ ગુમાવ્યો હતો. 

ભાવનગરના મહુવામાં બપોરે ૧૨ થી ૨ દરમિયાન સામાન્ય ઝાપટાં પડયા હતા. આ પછી માવઠાએ રૌદ્ર સ્વરૂપ દેખાડવાનું શરૂ કર્યું હતું. જેમાં બપોરે ૪ થી ૬માં ૨.૬૦ જ્યારે સાંજે ૬ થી ૮માં ૩ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આમ, ચોમાસામાં પણ ભાગ્યે જ પડે તેવો વરસાદ ગણતરીના કલાકોમાં મહુવામાં ખાબક્યો છે. આ સિવાય અમરેલીના લાઠીમાં ૨.૫૦, સાવરકુંડલામાં ૨.૧૫, લિલિયામાં ૨, અમરેલી શહેરમાં ૧.૮૫, બાબરામાં ૧.૭૦ ઈંચ વરસાદ નોંધાયો હતો. અન્યત્ર જ્યાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો તેમાં રાજકોટના ગોંડલ, બનાસકાંઠાના થરાદ, અમરેલીના રાજુલાનો સમાવેશ થાય છે. 

સુરેન્દ્રનગરના દસાડા, કચ્છના નખત્રાણા, સુરતના મહુવા, ભાવનગરના જેસર, ડાંગના વઘઇ, ગીર સોમનાથના ઉના, રાજકોટના જસદણ-વિંછિયા-જામકંડોરણા, બનાસકાંઠાના ધાનેરા, પંચમહાલના મોરવા હડફ, વલસાડમાં પણ પોણા ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. વલસાડ જિલ્લામાં મંગળવારે બપોર બાદ જોરદાર વાવાઝોડુ ફુંકાયા બાદ ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડયો હતો. હાઇવે પર પાણી ભરાતા વાહન વ્યવહારને અસર પહોંચી હતી. વલસાડના સરદાર સ્ટેડિયમની છતના પતરા ઉડયા હતા. ભારે પવન ફૂંકાતા આંબાઓ પરથી કેરી ખરી ગઈ છે. કૃષિ તજજ્ઞાના જણાવ્યા મુજબ હજુ તો તેજ પવન છે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં હજુ વરસાદ નથી પણ આગાહી મુજબ વરસાદ પડશે તો કેરીમાં સોનમાખ આવવાની અને ત્યારબાદ કાચી કેરી પાકવામાં સમસ્યા થવાની સંભાવના છે. 

હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા, પાટણ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે. ગુજરાતમાંથી સોમવારે ખેડામાંથી સૌથી વધુ ચાર, વડોદરામાંથી સૌથી વધુ ૩, અમદાવાદ-અરવલ્લી-દાહોદમાંથી ૨-૨, આણંદમાંથી ૧ વ્યક્તિના મોત થયા હતા. મૃત્યુ પામનારામાં ચાર મહિલા અને ૧૦ પુરુષનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૨૬ પશુના પણ મૃત્યુ થયા છે. જેમાં પંચમહાલમાંથી સૌથી વધુ ૯,મહેસાણામાંથી ૭ પશુના મૃત્યુનો સમાવેશ થાય છે.  

અમદાવાદમાં હજુ પણ ચાર દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી

- અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્યથી 8 ડિગ્રી ઘટીને 33.7 ડિગ્રી નોંધાયું

અમદાવાદ : અમદાવાદમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેતાં ગરમીમાં રાહત અનુભવાઇ હતી. આજે ૩૩.૭ ડિગ્રી સાથે મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૮ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. 

છેલ્લા એક સપ્તાહમાં જ અમદાવાદનું મહત્તમ તાપમાન ૧૦ ડિગ્રી જેટલું ઘટયું છે. બીજી તરફ ચાર દિવસ અગાઉ લઘુતમ તાપમાનનો પારો ૨૭ ડિગ્રી થઇ ગયો હતો. પરંતુ સોમવારે રાતે તે સામાન્યથી ૫.૮ ડિગ્રી ઘટીને ૨૦.૯ ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ ચાર દિવસ અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 

હવામાન નિષ્ણાતોને મતે વરસાદની સંભાવના બુધવારે ૬૩ ટકા, ગુરુવારે ૪૦ ટકા જેટલી છે. આવતીકાલે ખાસ કરીને સાંજે ૪ થી ૬ દરમિયાન વરસાદ પડે તેની પૂરી સંભાવના છે. 

આગામી 3 દિવસ વરસાદ માટે ક્યાં રેડ-ઓરેન્જ એલર્ટ

૭: ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગરમાં રેડ એલર્ટ. બનાસકાંઠા, પાટણ, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં ઓરેન્જ એલર્ટ.

૮: સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ, કચ્છમાં ઓરેન્જ એલર્ટ. 

૯: બનાસકાંઠા, સાબરકાંઠા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, રાજકોટ, અમરેલી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ.

Tags :