વડોદરામાં વાવાઝોડાએ ત્રણનો ભોગ લીધો
રિક્ષા પર કાચની પેનલ તૂટીને પડતા શો રૃમનો કર્મચારીનું મોત
પાણીમાં તરફડિયા મારતા કૂતરાને બચાવવા જતા ટેમ્પા ડ્રાઇવરને કરંટ લાગતા મોત : બસ કંડક્ટરને શોર્ટ લાગતા મોત
વડોદરાસોમવારે સાંજે શહેરમાં વાવાઝોડા સાથે પડેલા તોફાની વરસાદમાં ઠેર - ઠેર વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. ઘણા સ્થળે વીજ વાયરો તૂટીને પડયા હતા. સુભાનપુરા અને લાલબાગ વિસ્તારમાં વીજ કરંટ લાગતા બે વ્યક્તિઓના મોત થયા છે. જ્યારે અન્ય ૧૦ લોકોને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
૮૦ કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા ભારે પવન અને ત્યારબાદ પડેલા વરસાદે શહેરમાં ઠેર - ઠેર તારાજી સર્જી હતી. મોટા હોર્ડિંગ્સ અને ઝાડો પડયા હતા. ઘણા સ્થળે પાર્ક કરેલા વાહનોને નુકસાન થયું હતું.સુભાનપુરા વિસ્તારમાં રહેતા ૫૩ વર્ષના જીતેશ મોરે ટેમ્પો ડ્રાઇવિંગ કરે છે. આજે સાંજે ઘરે આવ્યા પછી તેઓ બહાર ઉભા હતા. તે દરમિયાન રસ્તા પર ભરાયેલા પાણીમાં જીવતો વીજ વાયર પડતા કરંટ ફેલાયો હતો. તે પાણીમાં કૂતરૃં તરફડિયા મારતું હોઇ તેને બચાવવા માટે જીતેશભાઇ દોડી ગયા હતા. તેઓને પણ કરંટ લાગતા મોત થયું હતું. ફાયરબ્રિગેડના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ વીજ સપ્લાય બંધ કરાવી મૃતદેહને સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
જ્યારે બીજા બનાવમાં જામનગર જિલ્લાના જામખંભાળિયા તાલુકાના બિજલપુર ગામે રહેતો ૨૫ વર્ષનો પરવત ગોગનભાઇ ડાંગર ખાનગી ટ્રાવેલ્સની બસમાં કંડક્ટર તરીકે નોકરી કરતો હતો. આજે સાંજે કીર્તિ સ્થંભથી ઉપડેલી બસ જામનગર જતી હતી. તે સમયે લાલબાગ નજીક જમણા હાથે કરંટ લાગતા તેને ઇજા પહોંચતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. પંરતુ, તેનો જીવ બચી શક્યો નહતો. પરવતને આકાશી વીજળીનો કરંટ લાગ્યો કે, વીજ વાયરનો તે હજી જાણી શકાયું નથી.
ત્રીજા બનાવની વિગત એવી છે કે, માંજલપુર કબીર ધામમાં રહેતા ૫૩ વર્ષના ગિરીશભાઇ શશીકાંતભાઇ ચૌરા ડભોઇ રોડ પર આવેલા રિક્ષાના શો રૃમમાં સેલ્સ એક્ઝિક્યુટિવ નોકરી કરતા હતા. આજે સાંજે વાવાઝોડા સાથે વરસાદ પડતા તેઓ શો રૃમની બહાર પાર્ક કરેલી રિક્ષા અંદર મૂકતા હતા. તે દરમિયાન નજીકમાં આવેલા દર્શનમ ટાવરમાંથી કાચની પેનલ તૂટીને રિક્ષા પર પડતા તેઓ રિક્ષામાં જ ચગદાઇ ગયા હતા અને તેઓનું મોત થયું હતું.
બેનર, ઝાડ પડવાથી તેમજ અકસ્માતથી ઇજાગ્રસ્ત ૭ ને સયાજીમાં લવાયા
(૧) કીરિટકુમાર નટુભાઇ ચાવડા (ઉં.વ.૫૩) (રહે. ઉંડેરા ગામ) ઝાડ પડતા ચહેરા પર ઇજા
(૨) સાહિદાબેગમ મોઇનુદ્દીન સૈયદ (ઉં.વ.૬૦) (રહે.અક્ષા એવન્યુ,તાંદલજા) કમાટીબાગ પાસે ઝાડ પડતા ચહેરા પર ઇજા
(૩) શાહીદ સલીમભાઇ સેૈયદ (ઉં.વ.૧૯) (રહે. વાડી) વાડીમાં ઝાડ પડતા ડાબા પગે ઇજા
(૪) ભાઇલાલ રાવજીભાઇ કડિયા (ઉં.વ.૫૦) (રહે.સુખ શાંતિ સોસાયટી) ભૂંતડીઝાંપા પાસે અકસ્માતમાં ઇજા
(૫) સલીમ કરીમમીંયા સિન્ધી (ઉં.વ.૪૫) (રહે.યાકુતપુરા) દુમાડ ચોકડી પાસે બેનર પડતા મોંઢા પર ઇજા
(૬) શકીનાબીબી હસનમીંયા શેખ (ઉં.વ.૮૦) (રહે. શામીયા ફ્લેટ, તાંદલજા) ઘરનો દરવાજો હાથમાં વાગતા ઇજા
(૭) મહેબૂૂબ ઇબ્રાહિમભાઇ ખત્રી (ઉં.વ .૫૮) (રહે.એકતાનગર, આજવા રોડ) સરદાર એસ્ટેટ નજીક બાઇક અકસ્માતમાં ઇજા