Cyclone Biparjoy : વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે ટકરાયું, જુઓ કેટલા કલાક કચ્છને ઘમરોળશે, ક્યારે આવશે અંત
IMDએ જણાવ્યું કે, આજે સાંજે લેન્ડફોલ શરૂ થશે, જે મોડીરાત સુધી ચાલશે, લેન્ડફોલની પ્રક્રિયા 6 વાગ્યા પછી શરૂ થશે
લેન્ડફોલ પશ્ચિમમાં માંડવી અને કરાંચી વચ્ચેના જખૌ પોર્ટ આસપાસ થવાની સંભાવના
અમદાવાદ, તા.15 જૂન-2023, ગુરુવાર
શક્તિશાળી વાવાઝોડું બિપરજોય ગુજરાતના દરિયાકાંઠે ટકરાવવાને હવે ગણતરીની મીનીટો જ બાકી છે. આ વાવાઝોડું ખતરનાક નુકસાન પહોંચાડી શકે છે, ત્યારે હવામાન વિભાગના ડીજી ડૉ.મૃત્યુંજય મહાપાત્રાએ આજે પ્રેસ કોન્ફરન્સ યોજી વાવાઝોડું બિપરજોય અંગે મહત્વની અપડેટ આપી છે. તેમણે કહ્યું કે, આજે સાંજે લેન્ડફોલ શરૂ થઈ જશે, જે મોડીરાત સુધી ચાલશે. લેન્ડફોલની પ્રક્રિયા 6 વાગ્યા પછી શરૂ થવાની પણ તેમણે માહિતી આપી હતી. બિપરજોયનું લેન્ડફોલ પશ્ચિમમાં માંડવી અને કરાંચી વચ્ચેના જખૌ પોર્ટ આસપાસ થઈ શકે છે, જ્યારે શુક્રવાર સવાર સુધીમાં પવનની સ્પિડ નબડી પડી પ્રતિકલાક 70થી 90 કિલોમીટર થઈ જશે.
ઉત્તર પૂર્વની દિશા તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડું
IMDએ જણાવ્યું કે, વાવાઝોડું ઉત્તર પૂર્વની દિશામાં આગળ વધી રહ્યું છે. કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે મોટું નુકસાન થવાની શક્યતા છે. શુક્રવારે સવારથી પવનની ગતિ ધીમી થઈ જશે. મહાપાત્રાએ કહ્યું કે, અમે છેલ્લા 2 અઠવાડિયાથી સતત પાકિસ્તાનને માહિતી આપી રહ્યા છીએ. અમે પડોશી દેશને દર 3 કલાકે માહિતી આપી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, કચ્છના અખાતને અડીને આવેલા તમામ જિલ્લાઓમાં વાવાઝોડાની મહત્તમ અસર જોવા મળશે, જેમાં પોરબંદર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા વગેરેનો સમાવેશ થાય છે.
વાવાઝોડાના કારણે મોટાપાયે નુકસાન થવાની સંભાવના
મહાપાત્રાએ વાવાઝોડા અંગે વધુમાં માહિતી આપતા જણાવ્યું કે, વાવાઝોડું ઉત્તર-પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે. હાલ ફુંકાઈ રહેલા પવનની સ્પીડ પ્રતિકલાક 120થી 130 કિલોમીટરની છે. જ્યારે લેન્ડફોલ થશે ત્યારે પનની ગતિ પ્રતિકલાક 115થી 135 કિલોમીટરની હશે. આખી રાત બાદ સવાર સુધી પવનની ઝડપ 60થી 70 કિમી પ્રતિ કલાકે પહોંચી જશે. વાવાઝોડાના કારણે મોટાપાયે નુકસાન થવાની સંભાવના છે.
વાવાઝોડાની ગતિ 14 કિલોમીટર સુધી વધવાની શક્યતા
હવામાન વિભાગે સલામતીને ધ્યાને રાખી લોકોને અપીલ કરી છે કે, કોઈએ બહાર ફરવું નહીં... 16 જૂનની સવાર સુધી દરિયાકિનારે પણ ન જવું.. વાવાઝોડાના કારણે પોરબંદર, જૂનાગઢ, જામનગરને સૌથી વધુ નુકસાન થશે. વાવાઝોડાનની ગતિ સવારે 5 કિલોમીટર પ્રતિકલાકે હતી, જે હવે વધીને 10 પર પહોંચી ગઈ છે... અને ત્યારબાદ તેની વાવાઝોડાની પ્રતિકલાકે ઝડપ 14 કિલોમીટર થવાની સંભાવના છે. ગુજરાત પાસે ત્રાટકી રહેલા વાવાઝોડાની અસર રાજસ્થાનમાં જોવા મલશે... રાજસ્થાનમાં ભારે વરસાદ પડશે.