Cyclone Biparjoy : વાવાઝોડાનો આ જીલ્લાઓમાં તાંડવ, અસંખ્ય વૃક્ષો-વીજપોલ ધરાશાયી, છાપરા પણ ઉડ્યા
મોટાભાગના જિલ્લાઓમાં વાવાઝોડાની અસર : ભારે પવનના કારણે ઘણા જિલ્લાઓમાં વૃક્ષો ધરાશાયી
અનેક ઠેકાણે મોબાઈલ ટાવર વીજપોલ ધરાશાયી : ભાવનગરમાં 2ના મોત, કચ્છમાં 7 પશુઓના મોત
અમદાવાદ, તા.15 જૂન-2023, ગુરુવાર
ગુજરાતમાં દરિયાકાંઠે વાવાઝોડું બિપરજોયનું લેન્ડફોલ શરૂ થયા બાદ તેની અસર મોટાભાગના જીલ્લાોમાં જોવા મળી રહી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વાવાઝોડાની ગંભીર અસરો શરૂ થયા બાદ ઠેર-ઠેર વૃક્ષો ધરાશાઈ થવાની ઘટના બની છે, તો 1000થી વધુ વીજ થાંભળા તુટી જવાની પણ ઘટના સામે આવી છે. એટલું જ નહીં ભારે પવનના કારણે વરસાદે પણ ધળબળાટી બોલાવી દીધી છે. ભારે પવનના કારણે વાહનચાલકો પણ ખુબ મુશ્કેલીમાં મુકાયા છે.
વાવાઝોડાએ આ જિલ્લાઓમાં મચાવી તબાહી
આજે રાજ્યના કચ્છ, પોરબંદર, મોરબી, રાજકોટ, ભાવનગર સહિતના જીલ્લાઓમાં ભારે પવન ફુંકાયો છે. તો કેટલાક જિલ્લાઓમાં મકાનો પણ ધરાશાયી થયાની ઘટના બની છે. છેલ્લે મળતા અહેવાલો મુજબ દરિયાઈ વિસ્તારોમાં 200થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. મુંદ્રા, નખત્રાણામાં અનેક ઠેકાણે વીજપોલ, વૃક્ષો ધરાશાઈ થયા છે. તો સૌથી અસરગ્રસ્ત કહેવાતા દ્વારકા શહેરમાં અંધારપટ્ટ છવાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ઉપરાંત અહીં 700થી વધુ વીજપોલ પણ ધરાશાયી થયા છે. ત્યારે વન વિભાગ દ્વારા પણ 300થી વૃક્ષો ધરાશાઈ થયા હોવાનો દાવો કરાયો છે. જખૌ તેમજ નલિયામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. તો અનેક ઠેકાણે મોબાઈલ ટાવર પણ ધરાશાયી થયા છે. તડાવ-લોદ્રાણી ગામમાં ધોધમાર વરસાદને કારણે પાણી ભરાતા લોકો હાલાકી વેઠી રહ્યા છે. જ્યારે વાવાઝોડાનો સામનો કરી રહેલા સૌથી વધુ અસરગ્રસ્ત કચ્છના તમામ વિસ્તારોમાં ભયંકર પવને લોકોના ધબકારા વધારી દીધા છે.
ભાવનગરમાં 2ના મોત, કચ્છમાં 7 પશુના મોત
વાવાઝોડા બિપરજોયની અસર ભાવનગરમાં પણ જોવા મળી છે. અહીં બે વ્યક્તિઓના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. પશુઓને બચાવવા જતા પિતા-પુત્ર તણાયા હોવાની માહિતી મળી રહી છે. તો કચ્છમાં 7 પશુઓના મોત થયાના અહેવાલો મળ્યા છે. બિપોરજોય વાવાઝોડાની અસર દરમિયાન ઓખા પોર્ટ યાર્ડમાં કોલસાના જથ્થામાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. તો દરિયાનાં પાણી છેક બહાર સુધી આવી જતાં સુરક્ષિત રખાયેલી બોટો પણ ઉધી વળી ગઈ છે.
પવનની તીવ્ર ગતિના કારણે રસ્તા પર નીકળવું મુશ્કેલ
માંડવી, કંડલા, મુંદ્રા અને ગાંધીધામમાં ભારે પવન ફૂંકાયો છે. તો રાજ્યના તમામ બંદરો પર ઉછળતા મોજાએ સૌના જીવ અધ્ધર કરી દીધા છે. આ સાથે પવનની ગતિમાં પણ વધારો થતાં લોકોનું રસ્તા પર નીકળવું મુશ્કેલ બની ગયું છે. વાવાઝોડાના કારણે જામનગરમાં પણ 61 વૃક્ષો ધરાશાયી થયા છે.
મોરબીમાં ૩૯ ગામોમાં વીજ પુરવઠો બંધ
મોરબી જિલ્લાના અત્યાર સુધીમાં ૩૯ ગામોમાં વીજ પુરવઠો બંધ થયો છે. હાલ ભારે પવનના કારણે ૧૨૨ વીજ પોલમાં નુકશાની આવી છે. ૭ ટીસીમાં ફોલ્ટ સર્જાયો છે. ૩૯માંથી ૨૩ ગામો માળિયા તાલુકાના છે. ૬ ગામો વાંકાનેર તાલુકાના અને ૩ ગામો હળવદ તાલુકાના છે.
કાલે બપોરના 12 પછી બિપરજોય પડશે નબળું
IMDએ કહ્યું છે કે, આવતીકાલે 12 વાગ્યા પછી બિપરજોય નબળું પડી જશે. NDRFના આઈજી નરેન્દ્ર સિંહ બુંદેલાએ કહ્યું કે ભારતીય હવામાન વિભાગની આગાહી છે, બિપરજોય આવતીકાલે બપોરે 12 વાગ્યે ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને તેની સ્પીડ ઘટીને કલાકના 40 કિમીની થઈ જશે અને તેનાથી નુકશાન પણ ઓછું થશે.