Get The App

Cyclone Biparjoy : વાવાઝોડાંની કયા જિલ્લામાં કેવી અસર; 1700થી વધુ ગામો, 75 દરિયાકાંઠા, 41 બંદરો પર જોખમ

જામનગર, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ સહિતના દરિયાઓનું રૌદ્ર સ્વરૂપ, કંડલા દરિયાકાંઠે 3 માળ જેટલા ઊંચા મોજાં ઉછળ્યા

મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ : કચ્છમાં રસ્તાઓ સુમસામ, ઉત્તર ગુજરાત માટે આવતીકાલનો દિવસ ભારે

Updated: Jun 15th, 2023

GS TEAM


Google News
Google News
Cyclone Biparjoy : વાવાઝોડાંની કયા જિલ્લામાં કેવી અસર; 1700થી વધુ ગામો, 75 દરિયાકાંઠા, 41 બંદરો પર જોખમ 1 - image

અમદાવાદ, તા.15 જૂન-2023, ગુરુવાર

ગુજરાત પર આવી રહેલી ઘાત બિપરજોય વાવાઝોડાના કારણે રાજ્યના તમામ દરિયાકાંઠાઓ પર તંત્ર હાઈએલર્ટ પર છે. રાહત અને બચાવ કાર્ય માટે NDRF, SDRF ઉપરાંત ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમ પણ તૈનાત છે, તો વિવિધ જિલ્લાઓનું વહિવટી તંત્ર પણ ખડેપગે રહી તમામ પ્રકારના સાવચેતીના પગલા લઈ રહ્યા છે. વાવાઝોડાનું સૌથી વધુ અસર કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, પાટણ, બનાસકાંઠા, જૂનાગઢ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે વાવાઝોડાને પગલે વિવિધ જિલ્લાઓમાં શું પરિસ્થિતિ છે, જાણીએ આ અહેવાલમાં...

જામનગરના દરિયાકાંઠે ભારે કરંટ જોવા મળ્યો

જામનગરના દરિયામાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે.  વાવાઝોડાના કારણે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો છે, જેને ધ્યાને રાખી રોઝી બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. જિલ્લાના રોઝી બંદરના દરિયામાં ભારે કરંટ ધ્યાને આવ્યા બાદ તુરંત 10 નંબરનું સિગ્નલ જાહેર કરી દેવાયું છે. 

ગીર સોમનાથનો દરિયાનો કરંટ માછીમારોની બોટ સુધી પહોંચ્યો

વાવાઝોડું ટકરાય તે પહેલા ગીર સોમનાથના દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગીર સોમનાથનો દરિયો ગાંડોતુર બન્યો છે અને દરિયામાં આવેલો કરંટ છેક માછીમારોની બોટ સુધી જોવા મળ્યો છે. તો સુરક્ષિત સ્થાનો પર ગોઠવાયેલી બોટો સુધી દરિયાનું પાણી પહોંચી જતાં માછીમારો ચિંતિત થયા છે.

પોરબંદરમાં 90થી 100 કિમીની ઝડપે પવન

બિપરજોય વાવાઝોડાની અસર પોરબંદરમાં પણ જોવા મળી રહી છે. અહીંનો માધવપુર દરિયો ગાંડોતૂર બનતા વહિવટીતંત્ર સાવચેતીના પગલા ભરી રહી છે. દરમિયાન અહીં 90થી 100 કિલોમીટરની ઝડપે પવન ફુંકાતા લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. તો દરિયામાં 20થી 25 ફુટ ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે.

જૂનાગઢમાં 80થી 90 કિમીની ઝડપે પવન

વાવાઝોડાને પગલે જૂનાગઢની સ્થિતિની વાત કરીએ તો અહીં 80થી 90 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. જ્યારે અહીંના માગરોળ દરિયામાં પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ભારે પવન વચ્ચે વરસાદી માહોલ છવાયો છે. માગરોળ દરિયાના વહેણ ઉછળી ઉછળીને બહાર આવી રહ્યા છે. 

સાબરકાંઠામાં ભારે પવન સાથે વરસાદ

બિપરજોય વાવાઝોડાની અસર સાબરકાંઠા જિલ્લામાં પણ જોવા મળી રહી છે. અહીં સતત ભારે પવન ફુંકાઈ રહ્યો છે, આ ભારે પવન વચ્ચે વરસાદે માજા મુકી છે. ધનપુરા, રામપુરા, ગાંભોઈ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલો મલી રહ્યા છે, તો હિંમતનગરમાં ધોધમાર વરસાદે લોકોને દોડતા કરી દીધા છે. વાવાઝોડાના કારણે પવનની ગતિ વધતા વાહનચાલકો પણ મુશ્કેલી અનુભવી રહ્યા છે.

સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયો ગાંડોતૂર

તો હાલ મળતા અહેવાલો મુજબ સૌરાષ્ટ્ર-કચ્છનો ગાડોતુર બન્યો છે... તેમજ ભારે પવન ફુંકાવાના કારણે લોકોએ બહાર નિકળવાનું પણ ટાળી દીધું હોય તેમ અહીંના રોડ-રસ્તાઓ સૂમસામ જોવા મળી રહ્યા છે. કચ્છમાં પવનની ગતિ પ્રતિ કલાકે 115-125 કિલોમીટરે ફુંકાવાની સંભાવના છે, ત્યારે આજે બપોર બાદ નવલખી અને કંડલા દરિયાકાંઠે 2થી 3 માળ ઊંચા મોજાં ઊછળી રહ્યા છે. દરમિયાન વાવાઝોડાના ખતરાને ધ્યાને રાખી NDRFની કચ્છમાં 6 ટીમો જ્યારે SDRFની 2 ટીમો તૈનાત કરાઈ છે.

વાવાઝોડું ટકરાશે ત્યારે અતિભારે વરસાદની શક્યતા

આજે સૌરાષ્ટ્રના-કચ્છમાં જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, મોરબી અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે, જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર-હવેલીમાં ભારે વરસાદ પડવાની પણ આગાહી કરાઈ છે. 

ઉત્તર ગુજરાત માટે આવતીકાલનો દિવસ ભારે

બિપોરજોય વાવાઝોડાના કારણે આવતીકાલ 16મી જૂને ઉત્તર ગુજરાત માટે ભારે દિવસ રહેવાની આગાહી છે. આવતીકાલે બનાસકાંઠા, પાટણ, કચ્છ ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા સહિત મોરબીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. તો અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ તથા સૌરાષ્ટ્રમાં જામનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, ગીર-સોમનાથ તેમજ દીવમાં ભારે વરસાદની આગાહી છે.

દ્વારકા બંદર પર મકાન ધરાશાયી

હાલ મળતા અહેવાલો મુજબ દ્વારકામાં પણ દરિયો ગાંડોતૂર બન્યો છે. અહીં દરિયાનું પાણી વિનાશ વેરી રહ્યો છે. હડસેલા ભરીને આવેના દરિયાના પાણીના કારણે કોડીનારના મૂળ દ્વારકા બંદર પાસે મકાન ધરાશાયી થયું છે.

NDRFની 18 અને SDRFની 12 ટીમ તહેનાત

જિલ્લાઓમાં NDRFની 18 અને SDRFની 12 ટીમ તહેનાત કરાઇ છે. NDRFની કચ્છમાં 6, દેવભૂમિ દ્વારકામાં 3, રાજકોટમાં 2, જામનગરમાં 2 અને જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી અને વલસાડ ખાતે એક-એક ટીમ તહેનાત કરાઈ છે. જ્યારે SDRFની કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા ખાતે બે-બે ટીમ, જ્યારે જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી, પાટણ અને બનાસકાંઠામાં એક-એક ટીમ તહેનાત છે.

8 જિલ્લાઓમાં 74000 હજારથી વધુ લોકોનું સ્થળાંતર

બિપરજોય વાવાઝોડાના સંકટને ધ્યાને રાખી રાજ્ય સરકારે સ્થળાંતર પર ખાસ ભાર મૂકીને ૮ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ ૭૪ હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સંભવિત વાવાઝોડાથી અસર થઇ શકે તેવા જૂનાગઢમાં ૪૬૦૪, કચ્છમાં ૩૪૩૦૦, જામનગરમાં ૧૦૦૦૦, પોરબંદરમાં ૩૪૬૯, દેવભૂમિ દ્વારકામાં ૫૦૩૫, ગીર સોમનાથમાં ૧૬૦૫, મોરબીમાં ૯૨૪૩ અને રાજકોટમાં ૬૦૮૯ એમ કુલ ૮ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ ૭૪૩૪૫ જેટલા નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઉપરાંત ફૂડ પેકેટ, વીજ થાંભલાઓ અને પાણી પુરવઠાની પૂરતી તૈયારી પણ કરવામાં આવી છે.

વાવાઝોડાના કારણે કેટલું નુકસાન થઈ શકે ?

અહેવાલ અનુસાર આ વાવાઝોડાને કારણે 1700થી વધુ ગામડાઓ, 75 દરિયાકાંઠાના શહેરો અને 41 બંદરો જોખમમાં છે. અત્યાર સુધીમાં 74000 લોકોને સુરક્ષિત સ્થળોએ મોકલવામાં આવ્યા છે. સાથે જ હજારો માછીમારોને પણ આની અસર થશે. બિપરજોયને ધ્યાનમાં રાખીને, નિષ્ણાતો કહે છે કે ગુજરાતે ઓડિશા પાસેથી શીખવું જોઈએ, જ્યાં સામાન્ય રીતે દર વર્ષે ચક્રવાત આવે છે. અન્ય દરિયાકાંઠાના રાજ્યો કરતાં ઓડિશા સારી રીતે તૈયાર રહે છે.

Tags :