Gujarat

બેકાબૂ ટ્રેક્ટર ચાલકે સાયકલ સવારને અડફેટે લેતા મોત

By GS TEAM
18 Jun 20252 mins read
બેકાબૂ ટ્રેક્ટર ચાલકે સાયકલ સવારને અડફેટે લેતા મોત

- આણંદના સમરખા રોડ પર બુલેટ ટ્રેનના બ્રિજ પાસે 

- સાયકલ સવાર રોડ પર પટકાતા ગંભીર ઇજાથી મૃત્યુ થતાં ટ્રેકટર ચાલક સામે ફરિયાદ 

આણંદ : આણંદ સામરખા માર્ગ ઉપર આવેલા બુલેટ ટ્રેનના બ્રિજ નીચે ગતરોજ પૂરપાટ ઝડપે જઈ રહેલા એક ટ્રેક્ટરે સાયકલ સવારને ટક્કર મારતા સાયકલ સવાર યુવકનું ગંભીર ઇજાઓ થવાના કારણેસારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. 

મૂળ બિહારનો વતની અને છેલ્લા છ એક માસથી આણંદના મોટા મધરેસા નજીકની સોસાયટીમાં પરિવાર સાથે ભાડાના મકાનમાં રહેતો ૨૯ વર્ષીય મહંમદ તાલીમ મહંમદઅશુલ શેખ ગતરોજ સવારના સુમારે સાયકલ લઈને આણંદ સામરખા રોડ ઉપર આવેલા બુલેટ ટ્રેનના બ્રિજ નીચેથી પસાર થઈ રહ્યો હતો દરમિયાન એક મેરેજ પાર્ટી પ્લોટ પાસે પાછળથી પુરપાટ ઝડપે આવેલા ટ્રેક્ટરના ચાલકે સાયકલને ટક્કર મારતા સાયકલ પર સવાર મહમ્મદ તાલીમ રોડ ઉપર પટકાયો હતો તેને માથા તેમજ શરીરના વિવિધ ભાગોએ ગંભીર ઇજાઓ પહોંચી હતી. સાયકલને ટક્કર માર્યા બાદ ટ્રેક્ટર પણ માર્ગની સાઇડમાં આવેલા એક થાંભલા સાથે ભટકાયું હતું ગંભીર રીતે ઘવાયેલા મહંમદ તાલીમને સારવાર અર્થે આણંદની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી તેને વધુ સારવાર અર્થે નડિયાદ અને ત્યારબાદ કરમસદ ની હોસ્પિટલમાં લઈ જવાતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.