નડિયાદ- ડાકોર રોડ પર ગાડીની ટક્કરે સાયકલ ચાલકનું મોત
- સલુણ શારદાનગર પાટિયા પાસે અકસ્માત
- સાયકલ પર આડીનારથી કરિયાણું લઈને યુવક ઘરે જવા રોડ ક્રોસ કરતો હતો
નડિયાદ : નડિયાદ- ડાકોર રોડ ઉપર સલુણ શારદાનગર પાટિયા પાસે રોડ ક્રોસ કરતા સાયકલ સવારને ટક્કર મારી ગાડી મૂકી ચાલક નાસી ગયો હતો. અકસ્માતમાં સાયકલ સવાર યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
નડિયાદ તાલુકાના સલુણ શારદા નગરમાં રહેતા દિનેશભાઈ રમણભાઈ ભોજાણી ગઈકાલે સાંજે સાયકલ લઈને આડીનાર કરિયાણું લેવા ગયો હતો. આડીનારથી સાયકલ લઈને ઘરે આવતો હતો. ત્યારે ડાકોર નડિયાદ રોડ ઉપર સલુણ શારદા નગર પાટિયા નજીક રોડ ક્રોસ કરતો હતો. ત્યારે નડિયાદ તરફથી આવેલી ગાડીએ સાયકલને ટક્કર મારતા સાયકલ સવાર રોડની સાઈડ પર ફંગોળાઈ ગયો હતો. જેથી દિનેશભાઈ રમણભાઈ ભોજાણી (ઉં.વ.૩૨)નું માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી ગાડીનો ચાલક ગાડી મૂકીને નાસી ગયો હતો. આ બનાવ અંગે ઉદેસિંહ રમણભાઈ ભોજાણીની ફરિયાદના આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.