સાયબર ક્રાઇમનું જ ID હેક કરી ફ્રીઝ રકમ છોડાવવા બેંકને E-Mail કર્યા !
સબ્જેક્ટ બ્લેન્ક હોવાના લીધે બેંકમાંથી નવ મેઇલ આવતાં સમગ્ર ભાંડો ફૂટયો, બેંક અધિકારીઓને કાર્યવાહી રોકવા સચેત કરાયા : જૂનાગઢ રેન્જ સાયબર પોલીસે અમદાવાદના પોલીસ મદદગારને પકડયો : વિશાલ વાણંદ આઈટી કરેલો છે અને સાયબર ક્રાઈમને લગતા ગુનામાં પોલીસને મદદ કરે છે
જૂનાગઢ, : જૂનાગઢ રેન્જ સાયબર પોલીસનું જ ઈ-મેઈલ આઈડી હેક કરી ફ્રીઝ કરેલી રકમ અનફ્રીઝ કરાવવા માટે બેંકને મેઈલ કરવામાં આવ્યા હતા પરંતુ સબજેક્ટ બ્લેન્ક હોવાના લીધે બેંકમાંથી સાયબર પોલીસને મેઈલ આવતાં સમગ્ર કારસ્તાનનો ભાંડો ફુટયો હતો. આ મેઈલ કરનાર અમદાવાદના આઈટી નિષ્ણાત અને પોલીસના જ મદદગાર એવા એક શખ્સને રેન્જ સાયબર પોલીસે પકડી લઈ પૂછપરછ કરતાં તેણે બેંક એકાઉન્ટમાં ફ્રીઝ થયેલી રકમ અનફ્રીઝ કરાવવા મેઈલ કર્યાની કબૂલાત આપી હતી. હજુ આ કારસ્તાનમાં કોણ- કોણ સામેલ છે તે અંગે વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢ સાયબર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એમ.એ. જોષી, વી.એમ. જોટાણીયા સહિતનો સ્ટાફ ગત તા. 3 મેના ફરજ પર હતા ત્યારે સાયબર ક્રાઈમના સરકારી ઈ-મેઈલ આઈડી પર આઈસીઆઈસીઆઈ બેંક તરફથી ફોરવર્ડ કરેલો મેઈલ આવ્યો હતો. જેમાં જી.બી. સિસોદીયા, પીએસઆઈ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન જૂનાગઢનો મેઈલ આવ્યો હતો. સ્ટાફની પૂછપરછ દરમ્યાન આવો કોઈ મેઈલ કોઈએ કર્યો ન હોવાનું જાણવા મળ્યું હતું. ટેકનિકલ તપાસ કરતાં બેંકમાંથી આવેલા મેઈલમાં એકાઉન્ટ નંબર અને ખાતા ધારકનું નામ બાલાજી ઈ-કોમર્સ દર્શાવ્યું હતું જેમાં ફ્રોડની રકમ 20.44 લાખ અનમોલ ઈ-કાર્ડસ એન્ડ યુટીલિટી સર્વિસમાં જમા કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત એસબીઆઈ બેંકના એસકેએલ ઓનલાઈન સર્વિસ ઓપીસી પ્રા.લિ.માં દર્શાવેલી ફ્રોડની રકમ 30.92 લાખ, બેંક ઓફ બરોડાના ખાતાધારક શ્યામ ઓનલાઈન સર્વિસમાં દર્શાવેલી 7.40 લાખ, પંજાબ નેશનલ બેંકના ખાતાધારક ગણેશ ઓનલાઈન સર્વિસમાં 14.95 લાખ અનફ્રીઝ કરવા મેઈલ થયેલો હોવાનું સામે આવ્યું હતું. મેઈલમાં સાયબર પોલીસના પીએસઆઈ તરીકે જી.બી. સિસોદીયાનું નામ દર્શાવ્યું હતું પરંતુ જૂનાગઢ રેન્જ સાયબર પોલીસ સ્ટેશનમાં આ નામના કોઈ અધિકારી ન હોવાથી સાયબર રેન્જ પોલીસે બેંકના અધિકારીઓનો સંપર્ક કરી કોઈ કાર્યવાહી ન કરવા જાણ કરી હતી.
રેન્જ સાયબર પોલીસમાં સરકારી મેઈલ આઈડીનો પાસવર્ડ હેક કરી અજાણ્યા શખ્સે આ કારસ્તાન કર્યું હોવાનું સામે આવ્યા બાદ સાયબર પીઆઈ સી.વી. નાયક સહિતના સ્ટાફે આઈપી એડ્રેસના આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં અમદાવાદના વિશાલ ભાયલાલ વાણંદનું નામ ખુલ્યું હતું. સાયબર પોલીસે વિશાલ વાણંદની અટક કરી પૂછપરછ કરતા તેણે ફ્રીઝ રકમ અનફ્રીઝ કરાવવા માટે મેઈલ કર્યાની કબૂલાત આપી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વિશાલ વાણંદ આઈટી કરેલો છે અને સાયબર ક્રાઈમને લગતા ગુનામાં પોલીસને મદદ કરે છે. આ શખ્સ અમદાવાદના રાણીપ પોલીસ સ્ટેશનમાં પોલીસને સાયબરને લગતા ગુનામાં મદદ કરતો હોવાનું તે જણાવે છે. હજુ આ કારસ્તાનમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ ? એ અંગે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.
બેંક પાસેથી E-Mailનાં IP એડ્રેસ મેળવી પોલીસ આરોપી સુધી પહોંચી
સાયબર પોલીસ પાસે બેંકમાંથી ઈ-મેઈલ આવ્યો હતો આથી સાયબર પોલીસે જે બેંકમાંથી મેઈલ આવ્યો હતો તેના ઓરિજનલ આઈપી એડ્રેસ મેળવ્યું હતું, જે એક જ હતું. આથી, આ ચાર બેંકને મેઈલ એક આઈડી પરથી થયો હોવાનું ખુલ્યું હતું. આ આઈપી એડ્રેસના આધારે પોલીસ અમદાવાદના વિશાલ વાણંદ સુધી પહોંચી હતી.