Get The App

ગુજરાતમાં સાયબર ક્રાઈમના 4 વર્ષમાં 900% કેસ વધ્યાં, સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર-યુપીમાં 3-3 લાખને પાર

Updated: Jul 30th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં સાયબર ક્રાઈમના 4 વર્ષમાં 900% કેસ વધ્યાં, સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર-યુપીમાં 3-3 લાખને પાર 1 - image


Gujarat Cyber Crime news : ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને સોશિયલ મીડિયાનો મનોરંજન માટે ઉપયોગમાં જબરદસ્ત વધારા સાથે સાયબર ક્રાઈમના બનાવો દેશની ચિંતાનો વિષય બન્યો છે. સંસદમાં  5 સાંસદો દ્વારા ગત 4 દિવસમાં અન્ય 4 સહિત 9 સવાલો સાયબર ક્રાઈમ અંગે પુછાયા હતા જેના ઉત્તરમાં ગૃહમંત્રાલય દ્વારા અપાયેલી વિગત મૂજબ ગુજરાતમાં સાયબર ક્રાઈમના બનાવોમાં ગત 4 વર્ષમાં જ 900  ટકાનો વધારો એટલે કે નવ ગણા કેસ થયા છે અને સમગ્ર દેશમાં આ કેસો પાંચ ગણા વધી ગયા છે. 

2021 માં ગુજરાતમાં 18,159 કેસો હતા જે 2024માં 9 ગણા વધીને 1,67,892 થઈ ગયા હતા. જ્યારે ચાલુ વર્ષે છ મહિનામાં જ 88,383 કેસો નોંધાયા છે. જ્યારે સમગ્ર દેશમાં 2021માં 452429 કેસો હતા જે વધીને 22,68,346 કેસ થઈ ગયા છે અને ચાલુ વર્ષના 6 મહિનામાં આવા કેસો પાંચ ગણા નોંધાયા છે. આમ, સમગ્ર દેશની  સરેરાશ કરતા ગુજરાતના કેસો વધુ ઝડપથી વધી રહ્યા છે. 

હજુ પુખ્તવયે નહીં પહોંચેલા કિશોર-કિશોરીઓ પણ સાયબર ક્રાઈમનો ભોગ બને છે અને આવા કેસ પણ પાંચ વર્ષમાં  800 ટકા જેટલા વધ્યા છે.  સંસદમાં જણાવ્યા મુજબ 2021 થી અમલી સીએફસીએફઆરએમ સિસ્ટમ અન્વયે 17.83 લાખથી વધુ ફરિયાદોમાં રૂ. 5489 કરોડ બચાવ્યા હતા. આ આંકડા પરથી સમજાય છે કે સાયબર અપરાધોનો આંક  અબજો રૂ.નો છે.

પોલીસના રિપોર્ટ અન્વયે 9.42  લાખ સીમકાર્ડ અને 2.63,348 આઈએમઈઆઈ નંબરો સરકારે બ્લોક કર્યા છે. આવા અનેકવિધ પગલા પણ સાયબર ક્રાઈમને કૂદકે ભૂસકે આગળ વધતા અટકાવી  શકતા નથી. ઉપરોક્ત આંકડો માત્ર નોંધાયેલો છે. ફરિયાદ કે અરજી કરવાનું ટાળનાર કેટલા હશે તે કલ્પનાનો વિષય છે. 

સાયબર ક્રાઈમથી સલામત રહેવા કેટલીક મુખ્ય ટિપ્સ 

(1) કોઈ પણ અજાણી,શંકાસ્પદ લિન્ક ખોલવી નહીં. કોઈ અજાણી એપ ડાઉનલોડ ન કરવી, વોટ્સએપ વીડિયો કોલ હોય તો તુરંત ડીલીટ કરવો.

(2) નંબર ચોરીને કોઈ મહિલા કે મહિલાના અવાજમાં ફોન કરે તો  હનીટ્રેપમાં ફસાવું નહીં.

(3) ફેસબૂક,ઈન્સ્ટા વગેરે વાપરવામાં અંગત વિગતો,ફોટા શૅર કરવા નહીં.

(4) ડેબિટ-ક્રેડિટ કાર્ડ સહિતના પાસવર્ડ કોઈને પણ આપવા નહીં. 

(5) સરકારી કચેરી કે અધિકારીના  નામે પર્સનલ નંબરથી દંડ,ચાર્જ ભરવા મેસેજ આવે તેને ગણકારવો નહીં.

(6) પાસવર્ડ યુનિક રાખવો.

(7) બેન્ક સહિત નાણાકીય વ્યવહારો પર સતત નજર રાખવી.

(8) સાયબર સિક્યોરિટી,કાયદાઓ વિષે અદ્યતન અપડેટ રહેવું.

(9) બધુ કર્યા છતાં સાયબર ફ્રોડનો ભોગ બનો તો જરા પણ ઢીલ વગર હેલ્પલાઈન નંબર 1930 પર ફરિયાદ કરવી. 


Tags :