- શાળાના વોટ્સએપ ગુ્રપને હેક કરીને ડેટાનો દૂરુપયોગ કર્યો
- ઠગોએ ઓનલાઈન પ્રેઝન્ટ સિસ્ટમ શરૂ કરવાના બહાને ઓટીપી માંગી વાલીઓના બેંક ખાતામાંથી રકમ ઉપાડી
નડિયાદ : નડિયાદની સંતરામ મંદિર સ્કૂલના વાલીઓને નિશાન બનાવતી ગંભીર ઘટના સામે આવી છે. સાયબર ઠગોએ શાળાના સત્તાવાર વોટ્સએપ ગુ્રપને હેક કરીને વાલીઓના અંગત ડેટાનો દૂરુપયોગ કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ઓટીપી માંગવાના બહાને કેટલાક વાલીઓના બેંક ખાતામાંથી મોટી રકમ ઉપાડી લેતા વાલીઓ અને શાળા સંચાલકોમાં ભારે ચિંતાનો માહોલ ફેલાયો છે.
શાળાના શિક્ષક નયનભાઈના જણાવ્યા મુજબ, શાળાએ હોમવર્ક અને અન્ય કાર્યો માટે વાલીઓનું વોટ્સએપ ગુ્રપ બનાવ્યું હતું, તેને સાયબર ઠગોએ હેક કરી લીધું હતું. આ હેકિંગ બાદ ઠગોએ ગુ્રપમાં રહેલા વાલીઓને વ્યક્તિગત રીતે ફોન કરવાનું શરૂ કર્યું હતું. ફોનમાં તેઓ પોતાને શાળાના પ્રતિનિધિ તરીકે ઓળખાવીને જણાવ્યું હતું કે, 'અમે હવે ઓનલાઈન પ્રેઝન્ટ સિસ્ટમ શરૂ કરવા જઈ રહ્યાં છીએ, જેના માટે તમારા બાળકના નામ ઉમેરવામાં આવી રહ્યાં છે, આ પ્રક્રિયા પૂરી કરવા માટે તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે, તે અમને જણાવો' કહી ઠગોએ વાલીઓને ફસાવ્યા હતા. કોઈ વાલી તેમને આ ઓટીપી આપે, કે તરત જ તેના બેંક ખાતામાંથી મોટી રકમ ઉપડી જાય છે. આ છેતરપિંડીની ઘટના ગઈકાલ સાંજથી શરૂ થઈ હોવાની માહિતી છે. ઘણા વાલીઓ છેતરાયા બાદ શાળાનો સંપર્ક સાધતા સમગ્ર મામલો શાળા તંત્રના ધ્યાન પર આવ્યો હતો.
આ ગંભીર ઘટનાની જાણ થતાં જ સંતરામ મંદિર સ્કૂલના સંચાલકોએ તાત્કાલિક પગલાં લીધા છે. શાળા દ્વારા સાયબર ક્રાઇમ વિભાગને આ સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી છે અને તાત્કાલિક તપાસની માંગણી કરવામાં આવી છે. સંચાલકોએ હવે પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ પણ હાથ ધરી છે. ઘટનાની ગંભીરતા જોતા, શાળા તંત્રએ વાલીઓને જાગૃત કરવા માટે એક વિડિયો સંદેશ પણ તૈયાર કર્યો છે. શાળા સંચાલકોએ વાલીઓને ભારપૂર્વક અપીલ કરી છે કે, શાળા ક્યારેય પણ ફોન કરીને વાલીઓ પાસેથી ઓટીપી, બેંક વિગતો કે અન્ય કોઈ અંગત માહિતી માંગતી નથી. જો કોઈ વ્યક્તિ શાળાના નામે આવી માહિતી માંગે તો તે સ્પષ્ટપણે છેતરપિંડીનો પ્રયાસ છે. આ છેતરપિંડીની ઘટનાની હવે પોલીસ તપાસ શરૂ થઈ ગઈ છે.


