Gujarat

દિવાળીમાં ઓફરોના નામે લિન્ક મોકલી ઠગાઇ કરતા સાયબર ગઠિયા સક્રિય

By GS TEAM
29 Sep 20252 mins read
દિવાળીમાં ઓફરોના નામે લિન્ક મોકલી ઠગાઇ કરતા સાયબર ગઠિયા સક્રિય

વડોદરા, તા.29 દિવાળી પૂર્વેના તહેવારો શરૃ થતાની સાથે જ ખરીદીનો માહોલ જામતા જ સાયબર ગઠિયાઓ પણ સક્રિય થઇ ગયા છે. ઓનલાઇન સ્કીમોની લાલચ આપીને બેંક એકાઉન્ટ ખાલી કરવા ઉપરાંત અન્ય રીતે ઠગાઇના કિસ્સામાં વધારો થવા લાગ્યો છે. આ સિઝનમાં આ પ્રકારની ઠગાઇમાં ૫૦ ટકા જેટલો વધારો થયો હોવાનું સાયબર એક્ષ્પર્ટે જણાવ્યું હતું.

ડિસ્કાઉન્ટ અથવા વિવિધ પ્રકારની ઓફરો આપવાની લોભામણી જાહેરાતો કરીને સાયબર ગઠિયાઓ ઓનલાઇન ખરીદી ઇચ્છુક લોકોને છેતરી રહ્યા છે. હાલમાં બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો છે તે સાથે જ ઓનલાઇન સ્કીમો મોબાઇલમાં જોવા મળી રહી છે. વોટ્સએપ, ઇ મેઇલ અથવા વેબસાઇટ પર તેમજ ઓફરોની લિન્ક મોકલીને લોકોને છેતરવા માટે સાયબર ગઠિયાઓ જાળ બિછાવી રહ્યા છે.

સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને છેતરતી આ ગેંગ બ્રાન્ડેડ વસ્તુઓના નામે પણ સરળતાથી લોકો સાથે છેતરપિંડી કરી રહી છે. સાયબર ગઠિયાઓની વાતોમાં ફસાઇ જતા લોકોના બેન્ક એકાઉન્ટો પણ ખાલી થઇ જાય છે. કેટલાંક કિસ્સાઓમાં તો ખરીદીના પૈસા મેળવ્યા બાદ વસ્તુ નહી મોકલી અથવા ભળતી વસ્તુ મોકલે છે. આવી નાની નાની છેતરપિંડીનો ભોગ બનનારા લોકો મોટાભાગે ફરિયાદો કરવાનું પણ ટાળતા હોય છે. અથવા અરજી સ્વરૃપે પોલીસ ફરિયાદ લઇ લે છે.

બનાવટી ઇ કોમર્સ વેબસાઇટ પણ બનાવીને ગઠિયાઓ લોકોને ભોગ બનાવે છે. દિવાલી ધમાકાના નામે મફત તેમજ ૭૦થી ૮૦ ટકા જેટલા ડિસ્કાઉન્ટ જેવી ઓફરોની લિન્ક મોકલીને સાયબર ગઠિયાઓ ઠગાઇ કરે છે. બનાવટી ઇ-કોમર્સ વેબસાઇટ બનાવીને ગઠિયાઓ છેતરપિંડી કરતા હોવાના કિસ્સા પણ પ્રકાશમાં અગાઉ આવ્યા છે.