Gujarat

૬૧ લાખની છેેતરપિંડીમાં સાઇબર ગઠિયાના જામીન અરજી નામંજૂર

By GS TEAM
11 Aug 20252 mins read
૬૧ લાખની છેેતરપિંડીમાં સાઇબર ગઠિયાના જામીન અરજી નામંજૂર

વડોદરા : તમારા બેંક એકાઉન્ટમાં રૃા.૨૫ લાખની છેતરપિંડી કરવામાં આવી છે તેમ જણાવી મહિલાને ધરપકડની ધમકી આપી રૃા.૬૧ લાખની છેતરપિંડી કરવાના બનાવમાં સંડોવાયેલા સાઇબર ગઠીયાએ જામીન અરજી મુકતા અદાલતે અરજદારની અરજી નામંજૂર કરી હતી. ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે, સાઇબર ક્રાઇમ દિવસે દિવસે વધી રહ્યો છે અને દેશના સામાન્ય નાગરિકો નાણાં ગુમાવી રહ્યાં છે. ગૃહ વિભાગના રિપોર્ટ પ્રમાણે વર્ષ ૨૦૨૪માં દેશના નાગરિકોએ ૨૨,૮૪૫ કરોડની રકમ ગુમાવી હતી ત્યારે આ ખુબ જ ગંભીર પ્રકારનો ગુનો છે.

કેસની વિગત એવી છે કે, શહેરમાં રહેતી મહિલાનેઅજાણ્યા શખ્સે ફોન કરી જણાવ્યું હતું કે, તે અંધેરી પોલીસ સ્ટેશનમાંથી પાટીલ બોલે છે અને તમારા આઇસીઆઇસીઆઇ બેંકના એકાઉન્ટમાં છેતરપિંડી થઇ છે અને મની લોન્ડરિંગના કેસમાં એક આરોપીની અમે ધરપકડ કરી છે. ત્યાર બાદ આ શખ્સે સાઇબર ક્રાઇમના અધિકારી સાથે અને ડીસીપી મિલીંદ નામના શખ્સ સાથે વાત કરાવી હતી. ડીસીપી મીલીંદે  તપાસમાં સહકાર નહી આપો તો તમારી ધરપકડ કરીશુ તેવી ધમકી આપી વિડીયો કોલ પણ કર્યો હતો.

આરોપીઓની ધમકીથી ગભરાઇને મહિલાએ આરોપીઓની સુચના મુજબ તમામ નાણાં આરોપીઓએ જણાવેલા બેંક એકાઉન્ટમાં જમા ર્વ્યા હતા અને આ રીતે આરોપીઓએ ૬૧ લાખની છેતરપિંડી કરતા મહિલાએ સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં પોલીસે સ્વાગત રામજીભાઇ ખૈની નામના શખ્સની ધરપકડ કરી હતી, જે હાલ જેલમાં હોઇ તેણે જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.