Get The App

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં સાઇબર ગઠિયાની જામીન અરજી નામંજૂર

દુબઇમાં બેઠેલા ગઠિયાઓને સીમકાર્ડ અને બેંકની કીટ આપી હતી

Updated: Nov 20th, 2025

GS TEAM

Google News
Google News
૨.૩૧ કરોડની છેતરપિંડીમાં સાઇબર ગઠિયાની જામીન અરજી નામંજૂર 1 - image

વડોદરા : શેર બજારમાં રોકાણ કરશો તો ઊંચું વળતર મળશે તેવી લાલચ આપી રૃા.૨.૩૧ કરોડની છેતરપિંડી કરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી મૂકતા અદાલતે અરજી રદ કરી હતી. ન્યાયાધીશે ચુકાદામાં નોંધ્યું હતું કે, આથક ક્રાઇમના ગુના દેશના અર્થતંત્રને પણ નુકસાન પહોંચાડી રહ્યાં છે ત્યારે જામીન આપવાનું યોગ્ય જણાતું નથી.

ભાવેશભાઇ પટેલે સીઆઇડી ક્રાઇમ (ગાંધીનગર)માં ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ ફોન તેમજ વોટ્સએપ મારફતે સંપર્ક કરી જણાવ્યું હતું કે, તમે શેર બજારમાં તેમજ આઇપીઓ ભરશો તો તેમાં ઊંચું વળતર મળશે એટલે તેમના પર ભરોસો મૂકી ફરિયાદીએ રૃા.૨,૩૧,૫૩,૬૫૯નું રોકાણ કર્યું હતું અને આ રકમ આરોપીઓએ પરત ન કરી છેતરપિંડી કરી હતી.

આ બનાવમાં સીઆઇડી ક્રાઇમ (સાઇબર સેલ)એ આરોપી ઉદય ઓઝા ઉર્ફે ઉદય પ્રજાપતિ (રહે.અમદાવાદ)ની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા આરોપીએ જામીન અરજી મૂકતા તેની સુનાવણીમાં સરકાર તરફે રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપીએ ગુનામાં સક્રિય ભૂમિકા ભજવી છે. આરોપી તેમજ અન્ય સહ આરોપીઓએ દુબઇમાં બેઠેલા શામ અને એલેક્સ નામના બે શખ્સને સીમકાર્ડ તેમજ બેંક એકાઉન્ટની કીટ પૂરી પાડી હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ અરજદાર ઉદય ઓઝાની જામીન અરજી નામંજૂર કરી હતી.