સાયબર ફ્રોડના રૂા.16.50 કરોડ મળી કુલ રૂા.380 કરોડનાં ટ્રાન્ઝેક્શન

રાજકોટ અને ગોંડલના શખ્સોની ટોળકીનાં ખાતામાં
હૈદ્રાબાદના શખ્સ સહિત કુલ ચાર આરોપીઓ હજુ વોન્ટેડ, બીજી એજન્સીઓ પણ તપાસમાં ઝૂકાવે તેવી શક્યતા
રાજકોટ: દેશવ્યાપી આચરાયેલા સાયબર ફ્રોડના અંદાજે રૂા.૧૬.પ૦ કરોડ રાજકોટ અને ગોંડલની ટોળકીના બેન્ક ખાતામાં જમા થયાનો ઘટસ્ફોટ થયો છે. આ તમામ બેન્ક ખાતાઓમાં એકંદરે રૂા.૩૮૦ કરોડ જેવી માતબર રકમના ટ્રાન્જેકશન થયા છે. જેમાંથી પ્રાથમિક તપાસમાં રૂા.૧૬.પ૦ કરોડ સાયબર ફ્રોડના હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે. બાકીની રકમના ટ્રાન્જેકશન અંગે સાયબર ક્રાઈમ પોલીસ તપાસ ચલાવી રહી છે. જોકે બાકીની રકમ પણ સાયબર ફ્રોડની હોવાનું જ તપાસનીશોનું માનવું છે.
રાજકોટ રૂરલની સાયબર ક્રાઈમ પોલીસે આ દેશવ્યાપી કૌભાંડ અંગે પડધરી પોલીસમાં ફરિયાદ નોંધાવી ૬ આરોપીઓની હાલ ધરપકડ કરી છે. તપાસનીશ પીઆઈ આર. જે. ગોધમે આ ૬એ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.
સાયબર ક્રાઈમ પોલીસના સૂત્રોએ જણાવ્યું કે ગોંડલ એપીએમસીમાં જયોત ટ્રેડિંગ કંપની અને સોમ કંપની એમ બે પેઢી ધરાવતાં જય મનસુખભાઈ નાદપરાના તમામ ખાતાઓમાં કુલ રૂા.૧૯પ કરોડના ટ્રાન્ઝેકશન થયા છે. જયારે મનિષ છગનભાઈ કમાણીની પણ ગોંડલ એપીએમસીમાં આવેલી અલ્ટ્રા સ્પાઈસ એફએમસીજી નામની પેઢીમાં રૂા.૧પ૦ કરોડ કરતાં વધૂ રકમનાં ટ્રાન્ઝેકશન થયા છે.
ગુજરાતમાં થયેલી બાર અરજીઓમાં કુલ રૂા.૩.૧૦ કરોડ અને ભારતના અન્યો રાજયોમાં થયેલી ૧૦૩ અરજીઓના કુલ રૂા.૧ર.૯૭ કરોડ આ તમામ ખાતાઓમાં જમા થયા હતા.
હાલ જય (ઉ.વ.રપ, રહે. ગોંડલ) અને મનિષ (ઉ.વ.૪૮, રહે. રાજકોટ)ની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત મીડીયેટર તરીકેની ભૂમિકા ભજવનાર પ્રવિણસિંહ ભૂપતસિંહ પરમાર (ઉ.વ.ર૮, રહે. રાજકોટ), આંગડિયા પેઢી સાથે સંકળાયેલા મહેન્દ્રસિંહ કલ્યાણજી જાડેજા (ઉ.વ.રપ, રહે. રાજકોટ), મયુરસિંહ મહિપતસિંહ વાઘેલા (ઉ.વ.રર, રહે. રાજકોટ) અને મીડીયેટર તરીકેની ભૂમિકા ભજવનાર ઋષીત તુલશીભાઈ રૈયાણી (ઉ.વ.ર૬, રહે. ગોંડલ)ની પણ ધરપકડ કરવામાં આવી છે.
આ ૬એ આરોપીઓ સિવાય હૈદ્રાબાદના આદિલ ઉદીલ, લાલાભાઈ ઉર્ફે યાજ્ઞિાક ઝાલાવડિયા, હર્ષીલ નિલેશભાઈ શાહ અને ભરતસિંહ પરમારને વોન્ટેડ દર્શાવાયા છે. આ કેસની તપાસમાં બીજી એજન્સીઓ પણ ઝુકાવે તેવી શક્યતા નકારાતી નથી.
- એકાઉન્ટ ભાડે આપી એકાદ કરોડનું કમિશન મેળવ્યાનું ખુલ્યું
રાજકોટ: સાયબર ક્રાઈમ પોલીસના સૂત્રોએ જણાવ્યું કે ૬એ આરોપીઓએ સાયબર ફ્રોડ માટે ભાડે આપેલા એકાઉન્ટ બદલ તેમને અત્યાર સુધીની તપાસમાં એકાદ કરોડનું કમિશન મળ્યાની માહિતી મળી છે. ટીડીએસ સહિતના બીજા ટેક્ષ ન લાગે તે માટે સાયબર ફ્રોડના નાણાં જમા કરાવવા માટે એપીએમસી લાયસન્સવાળા બેન્ક ખાતાનો ઉપયોગ કરાતો હતો. આરોપીઓના બેન્ક ખાતામાં સાયબર ફ્રોડના રૂા.૧૬.પ૦ કરોડ સિવાય બાકીના ટ્રાન્ઝેકશન શેના છે તેના પૂરાવા માંગવામાં આવ્યા છે. પરંતુ હજૂ સુધી પુરાવા રજૂ કરી શક્યા નથી.
- સીઆઈડી ક્રાઈમ દ્વારા અપાયેલા ડેટાના આધારે કૌભાંડ ખુલ્યું
રાજકોટ: સીઆઈડી ક્રાઈમ દ્વારા રાજકોટ રૂરલ પોલીસની સાયબર સેલને ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત ર૦રપની સાલમાં રાજકોટના ગ્રામ્ય વિસ્તારોની બેન્કોમાં ખોલાવાયેલા મ્યુલ એકાઉન્ટનો ડેટા આપવામાં આવ્યો હતો. જેની તપાસમાં આ સમગ્ર કૌભાંડ ખૂલ્યું હતું. તમામ આરોપીઓના બેન્ક ખાતાઓનાં ટ્રાન્ઝેકશનને ધ્યાનમાં લેતાં સાયબર ક્રાઈમ પોલીસે કોઈ ચાર્ટડ એકાઉન્ટન્ટની મદદ લેવી પડશે.









