Get The App

અમદાવાદમાં સાયબર ફ્રોડ સિન્ડિકેટનો પર્દાફાશ: સરકારી અધિકારીના નામે કરતા છેતરપિંડી, ચાઈનીઝ કનેક્શનનો ઘટસ્ફોટ

Updated: May 24th, 2025

GS TEAM


Google News
Google News
અમદાવાદમાં સાયબર ફ્રોડ સિન્ડિકેટનો પર્દાફાશ: સરકારી અધિકારીના નામે કરતા છેતરપિંડી, ચાઈનીઝ કનેક્શનનો ઘટસ્ફોટ 1 - image

Cyber ​​fraud accused Arrested in Ahmedabad: અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ પર મોટી કાર્યવાહી કરી બે ભારતીય નાગરિકોની ધરપકડ કરી છે. જેઓ કથિત રીતે એક ચીની સાયબર ક્રાઈમ સિન્ડિકેટ સાથે સંકળાયેલા છે. આ સિન્ડિકેટ થાઈલેન્ડ, મલેશિયા, ઈરાન અને ઈરાક જેવા દેશોમાં સર્વર દ્વારા રૂટ થયેલા વોઈસ ઓવર ઈન્ટરનેટ પ્રોટોકોલ (VoIP) કોલ્સનો ઉપયોગ કરીને ભારતીય નાગરિકો સાથે છેતરપિંડી આચરતા હતા. 

એક ગુપ્ત માહિતીના આધારે સાયબર ક્રાઇમ બ્રાન્ચની એક ટીમે અમદાવાદના એસ.જી. હાઇવે પર આવેલા કેમ્બે ગ્રાન્ડના આઠમા માળે ડેટા સેન્ટર પર રેડ પાડી હતી. આ રેડમાં સેટ સ્ક્વેર લર્નિંગ સોલ્યુશન પ્રાઈવેટ લિમિટેડના ત્રણ સર્વર મળી આવ્યા હતા. આ સર્વરનો ઉપયોગ કરી આરોપીઓ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) ના અધિકારીઓ બનીને ડિજિટલ અરેસ્ટ, રોકાણ સંબંધિત સહિતના સાયબર ફ્રોડ આચરતા હતા.  

આરોપી લવકેશ કુમાર અને અનુરાગ ગુપ્તાએ ભારતીય નાગરિકોને કોલ કરવા ડેટાફર્સ્ટ ડીસી પાસેથી 500 સેશન SIP કનેક્શન ખરીદ્યા હતા. આરોપીઓએ TRAI અધિકારીઓનો ઢોંગ કરીને ભારતીય નંબરોનો ઉપયોગ કરીને પીડિતોના સિમ કાર્ડ બે કલાકમાં બ્લોક કરવાની ધમકી આપી હતી.

પ્રાથમિક તપાસમાં આરોપીઓની મોડસ ઓપરેન્ડીનો ઘટસ્ફોટ થયો છે કે, આરોપીઓએ જર્મનીમાં એક સર્વર ભાડે લીધુ હતું અને તેને અમદાવાદના ડેટા સેન્ટરમાં હોસ્ટ કરેલા બીજા સર્વર સાથે લિંક કર્યું હતું. જે આંતરરાષ્ટ્રીય કોલ્સને સ્થાનિક કોલમાં રૂપાંતરીત કરતું હતું. આરોપીઓના આ સમગ્ર ઓપરેશનને હોંગકોંગમાં ક્વિક કોમ અને સ્નો ફ્લાય ઓનલાઈન કંપનીઓ માટે કામ કરતી ચીનની સિન્ડી વાંગ નામની વ્યક્તિનો સહયોગ હોવાની વાત પણ સામે આવી છે.

આ ઓપરેશનમાં આરોપી લવકેશ કુમારની મુખ્ય ભૂમિકા હતી. તેણે સેટ સ્ક્વેર લર્નિંગ સોલ્યુશન પ્રાઈવેટ લિમિટેડની સ્થાપના કરી અને અમદાવાદમાં સર્વર અને SIP કનેક્શનની વ્યવસ્થા કરી. ધોરણ 10 સુધી અભ્યાસ કરેલા લવકેશ વિરુદ્ધ હરિયાણાના કરનાલના સેક્ટર-31-32 પોલીસ સ્ટેશનમાં વિઝા છેતરપિંડીનો અગાઉનો કેસ પણ નોંધાયેલો છે, આ કેસમાં તે ઓગસ્ટ 2023 થી જામીન પર બહાર છે.

અનુરાગ ગુપ્તા જે 18 વર્ષથી કોલ સેન્ટરના બિઝનેસ સાથે સંકળાયેલો છે. તે સર્વરના ટેક્નિકલ સેટઅપ અને આંતરરાષ્ટ્રીય કોલ્સને ઓપરેટ કરતો હતો. અનુરાગ ગુપ્તા અને લવકેશને મુલાકાત હરિયાણની જેલમાં થઇ હતી.  સોનીપતમાં માર્ચ 2023 થી નોંધાયેલા અન્ય સાયબર ક્રાઈમ કેસમાં અનુરાગ જામીન પર બહાર હતો. બંને આરોપીઓ અગાઉ છેતરપિંડીના કેસમાં સંકળાયેલા છે. 

20થી 24 એપ્રિલ 2025 ના સમયગાળા દરમિયાન SIP લાઈનોનો ઉપયોગ કરીને ભારતમાં દરરોજ સરેરાશ 65,000 કોલ કરવામાં આવ્યા હતા. જેમાં વોડાફોન-આઈડિયાના SIP ટ્રંક પીડિતોને ભારતીય નંબરો બતાવતા હતા. અત્યાર સુધીમાં ફક્ત ગુજરાતમાં જ 45 થી વધુ ફરિયાદો નોંધાઈ છે અને અન્ય રાજ્યોમાંથી 23 ફરિયાદો નોંધાઈ છે.

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ભારતીય દંડ સંહિતા, આઈટી એક્ટની વિવિધ કલમો અંતગર્ત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સિન્ડિકેટના અન્ય સભ્યોને શોધી કાઢવા અને નેટવર્કને તોડી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. 

Tags :