Gujarat

સાયબર ફ્રોડના રૂા. 23 કરોડ મળી કુલ રૂા. 1500 કરોડનાં ટ્રાન્ઝેક્શન

By GS TEAM
25 Feb 20263 mins read
સાયબર ફ્રોડના રૂા. 23 કરોડ મળી કુલ રૂા. 1500 કરોડનાં ટ્રાન્ઝેક્શન

રાજકોટ પંથકની ટોળકીના 15 APMC બેંક ખાતાઓમાં  : વધુ 3 આરોપીઓની ધરપકડ, સાયબર ફ્રોડ સિવાયના કરોડો રૂપિયા GST, ગેમિંગના અને બિનહિસાબી

 રાજકોટ, : દેશભરમાં આચરાતા સાયબર ફ્રોડના કરોડો રૂપિયા રાજકોટ પંથકની ટોળકીના બેંક ખાતાઓમાં જમા થયા હોવાનું કૌભાંડ રાજકોટ રૂરલ પોલીસની સાયબર ક્રાઇમ સેલે પકડી પાડયા બાદ તેમાં બીજા નવા ચોંકાવનારા ખુલાસા થયા છે. ઝડપાયેલી ટોળકી અને હાલ વોન્ટેડ આરોપીઓના 15 જેટલા એપીએમસી બેંક ખાતાઓમાં 1500 કરોડ જેવી માતબર રકમનાં ટ્રાન્ઝેક્શન થયાનું ખુલ્યું છે. જેમાંથી સાયબર ફ્રોડના રૂા.૨૩.૧૪ કરોડ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. બાકીના કરોડો રૂપિયા જીએસટી, ગેમિંગ, બિન હિસાબી હોવાનું લગભગ સ્પષ્ટ બની ગયું છે. આ તોસ્તાન કૌભાંડમાં અગાઉ છ આરોપીઓની ધરપકડ કર્યા બાદ સાયબર સેલે વધુ ૩ આરોપીઓની ધરપકડ કરી છે. 

એ ત્રણ આરોપીમાં તેલંગણાના આદીલુદીન મહમદ મુનીરૂદીન મહમદ, રાજકોટના કુવાડવા રોડ પરના જય ગુરૂદેવ પાર્ક-1 શેરી નં.2માં રહેતા મિહિર રામજી રંગાણી અને નાનામવાના તિરૂપતી પાર્ક-2માં રહેતા હિરેન અશ્વીન લીંબાસીયાનો સમાવેશ થાય છે. સાયબર સેલના પી.આઇ. આર.જે. ગોધમે આ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે, જેમાં બીજા નવા ખુલાસા થવાની સંભાવના છે. 

શરૂઆતમાં સાયબર સેલે પડધરીના મોવિયામાં આવેલી યસ બેંકમાં ગોંડલ માર્કેટીંગ યાર્ડની જ્યોત ટ્રેડિંગ કંપનીના એકાઉન્ટની તપાસ કરતા 200 કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા હતા, જેના આધારે તપાસ આગળ ધપાવતા બીજા આરોપીઓના એપીએમસી બેંક ખાતાઓમાં મળી કુલ 380 કરોડના ટ્રાન્ઝેક્શન જોવા મળ્યા હતા. તપાસ કરતાં તેમાથી રૂા. 16 કરોડ સાયબર ફ્રોડના હોવાનું જાણવા મળ્યું હતું, જેના આધારે પડધરી પોલીસમાં ૧૦ આરોપીઓ સામે ગુનો દાખલ કરાવી તેમાંથી જય મનસુખ નાદપરા, મનીષ છગન કામાણી, પ્રવિણસિંહ ભુપતસિંહ પરમાર, મહેન્દ્રસિંહ કલ્યાણજી જાડેજા અને રૂષિત તુલસીભાઇ રૈયાણી સહિત છ આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા. 

આ તમામ આરોપીઓની પૂછપરછમાં અન્ય એપીએમસી બેંક ખાતાઓનો પણ ખુલાસો થયો હતો. અગાઉના અને પછીથી મળેલા કુલ 15 એપીએમસી એકાઉન્ટમાં 1500 કરોડના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે, જેમાંથી રૂા. 23.14 કરોડ સાયબર ફ્રોડના નીકળ્યા છે. આ તમામ સાયબર ફ્રોડ અંગે સાયબર ક્રાઇમ પોર્ટલ ઉપર 180 ફરિયાદો નોંધાઇ હતી. જેમાંથી ગુજરાતની 21 ફરિયાદોના રૂા.2.94 કરોડ અને અન્ય રાજ્યોની 159 ફરિયાદોના રૂા. 20.20 કરોડ સામેલ છે. 

રાજકોટ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે આરોપીઓ પોતાના બેંક ખાતાઓમાં બાકીના ટ્રાન્ઝેક્શન શેના છે તેનો કોઇ ખુલાસો કરી શક્યા નથી. આરોપીઓના એવા કોઇ ધંધા કે વ્યવસાય પણ નથી કે જેમાં આટલી માતબર રકમનાં ટ્રાન્ઝેક્શન કરવા પડે. આ સ્થિતિમાં બાકીના ટ્રાન્ઝેક્શન જીએસટીની ઇન્પુટ ટેક્સ ક્રેડિટના, ગેમિંગના અને બિનહિસાબી હોવાનું જણાય છે, જે અંગે તપાસ થઇ રહી છે. 

આ 5 આરોપીઓનાં બેંક ખાતાઓમાં રૂા. 1500 કરોડનાં ટ્રાન્ઝેક્શન મળ્યાં

જે પંદર બેંક ખાતાઓમાંથી રૂા. 1500 કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા છે, તેમાં (1) મનીષ કમાણીના ભવ્યા એન્ટરપ્રાઇઝ, અલ્ટ્રા સ્પાઇસ પ્રા.લિ., સુરેશ્વર, આશરા એન્ટરપ્રાઇઝના ચાર ખાતાઓમાં રૂા. 539 કરોડ (જેમાંથી રૂા. 5.56 કરોડ સાયબર ફ્રોડના છે). (2) જય નાદપરાના સોમ ટ્રેડિંગ, જ્યોત એન્ટરપ્રાઇઝ અને અન્ય મળી કુલ બે ખાતાઓમાં રૂા. 383 કરોડ (જેમાંથી સાયબર ફ્રોડના રૂા. 16.13 કરોડ છે). (3) મિહિર રંગાણીના લોરેલ એગ્રી એક્સપોર્ટ વગેરે બે ખાતાઓમાં રૂા. 87 કરોડ (જેમાંથી સાયબર ફ્રોડના રૂા. 1.08 કરોડ છે). (4) લાલો ઉર્ફે યાજ્ઞીક ઝાલાવડીયાના મા આશાપુરા એન્ટરપ્રાઇઝ અને એસબી એન્ટરપ્રાઇઝ નામના બે ખાતાઓમાં રૂા. 493 કરોડ (જેમાંથી સાયબર ફ્રોડના રૂા. 16 લાખ છે). (5) મોહમ્મદ આલીલુદીનના અલ આદીન, અલ મુનીર, અલ ફાઝીલ અને અન્ય મળી કુલ 5બેંક ખાતાઓમાં રૂા. 23 કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા છે. (જેમાંથી સાયબર ફ્રોડના કેટલા રૂપિયા છે તે વિશે પોલીસને માહિતી મળી નથી).