વડોદરાઃ શહેરમાં ગેસ કંપનીના બિલના નામે અગાઉ આવતા મેસેજોથી લોકો એલર્ટ થતાં હવે ઠગોએ અપડેટ કરેલા મેસેજ મુકીને લોકોને ફસાવવાનો કારસો ઘડયો છે.સોશ્યલ મીડિયા પર આ પ્રકારના મેસેજોથી એલર્ટ રહેવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે.
વડોદરા ગેસ લિમિટેડના નામે ફરતા થયેલા મેસેજોમાં ગઠિયાઓ દ્વારા પ્રકાશ પ્રજાપતિના નામનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે.તેની સાથે મોબાઇલ નંબર પણ મુકવામાં આવ્યો છે. જેમાં તમારા ગેસનું બિલ અપડેટ થયું નથી અને સાંજે છ વાગ્યા સુધીમાં અપડેટ નહિ થાય તો ગેસ કનેક્શન કપાઇ જશે તેમ કહેવાયું છે.
લોકોનું કહેવું છે કે,આ નંબર પરથી ડાયલ કરતાં જુદીજુદી માહિતી માગવામાં આવે છે અને બિલ અપડેટ કેવી રીતે કરવું તેના સ્ટેપ બતાવવામાં આવે છે.સામેની વ્યક્તિ જે રીતે વાત કરે છે તે જોતાં કોઇ પણ વ્યક્તિ તેના પર ભરોસો કરી બેસે તેમ છે.પરંતુ તેમ કરવા જતાં જ ગ્રાહકનું બેન્ક એકાઉન્ટ હેક થઇ જતું હોય છે. સાયબર સેલના સૂત્રોએ પણ આવા બોગસ મેસેજોથી સાવચેત રહેવા અપીલ કરી છે.


