દહેગામના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી સાઇબર ગઠિયાઓએ ૪૪.૭૬ લાખ પડાવ્યા

તમારા મોબાઈલ નંબર પર ૨૪ ગુના નોંધાયા છે તેમ જણાવી
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ઓળખ આપીને છેતરપિંડી આચરી પોલીસ સ્ટેશનમાં એનઓસી લેવા જતા ભાંડો ફૂટયો
ગાંધીનગર : દહેગામ તાલુકાના સાણોદા ગામમાં રહેતા નિવૃત વૃદ્ધને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નામે ડિજિટલ એરેસ્ટ કરીને સાઇબર ગઠિયાઓ દ્વારા તબક્કાવાર ૪૪.૭૬ લાખ રૃપિયાની રકમ પડાવી લેવામાં આવી છે. નજીકના પોલીસ સ્ટેશનમાં એનઓસી લેવા જતા આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. જે અંગે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.
હાલમાં સમગ્ર દેશમાં સાયબર ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે અને તેમાં પણ મહિલાઓ અને વૃદ્ધોને ડિજિટલ એરેસ્ટ કરીને સાઇબર ગઠિયાઓ દ્વારા લાખો કરોડો રૃપિયા પડાવી લેવામાં આવે છે ત્યારે આ વખતે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલા સાણોદા ગામમાં રહેતા નિવૃત્ત વૃદ્ધ રઘુનાથ મફતાજી ચૌહાણને સાયબર ગાંઠિયાઓ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે. ગત ૨૪ સપ્ટેમ્બરના રોજ તેઓ ઘરે હતા તે દરમિયાન તેમના મોબાઈલ નંબર ઉપર એક વ્યક્તિએ ફોન કરીને પોતે મુંબઈ દૂરસંચારમાંથી બોલતો હોવાની ઓળખ આપી હતી અને ત્યારબાદ તેમને જણાવ્યું હતું કે, તેમના મોબાઈલ નંબર ઉપર ૨૪ જેટલા ગુના નોંધાયેલા છે. જેથી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરવો પડશે. તેમણે આપેલા મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરતા સાયબર ગઠીયાઓએ પોતે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના વિજય ખન્ના હોવાની ઓળખ આપી હતી અને પોલીસ ગણવેશમાં વિડીયો કોલ પણ કર્યો હતો ત્યારબાદ તેમને ડિજિટલ એરેસ્ટ કરવાની ધમકી આપીને જણાવવામાં આવ્યું હતું કે, આ સંદર્ભે કોઈને જાણ કરતા નહીં નહિતર વધુ મુશ્કેલી ઊભી થશે. એટલું જ નહીં, આ સાઇબર ગઠિયાઓએ એવું કહ્યું હતું કે, તેમના નામે કેનેરા બેંકમાં એકાઉન્ટ ખોલાયું છે, જેમાં ધાક-ધમકીથી ૨ કરોડ જમા થયા છે અને નરેશ ગોયેલ નામના વ્યક્તિએ તે ઉપાડી લીધા છે. આ કેસમાં સી.બી.આઈ. દ્વારા તપાસ કરવામાં આવશે અને બેંક ખાતાઓ વેરીફાય કરવા પડશે. તેમની તમામ બેંક ડીટેલ મેળવી લેવામાં આવી હતી અને ત્યારબાદ તબક્કાવાર ૪૪.૭૬ લાખ રૃપિયા તેમણે ટ્રાન્સફર કરી દીધા હતા. એટલું જ નહીં સાઇબર ગઠિયાઓ દ્વારા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ ના સિક્કા વાળા લેટર, ઇન્ટ્રોગેશન રેકોર્ડ, કોર્ટ હુકમ લેટર સહિતના દસ્તાવેજો વોટ્સએપ મારફતે મોકલી આપવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને એનઓસી મેળવી લેવા માટે કહેવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમના રૃપિયા પરત મળી જશે. જોકે વૃદ્ધ દહેગામ પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે પોલીસ દ્વારા તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું. જેથી આ અંગે હાલ ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.

