રાંધેજાના વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરી સાયબર ગઠિયાઓએ રૃપિયા ૩૭.૫૦ લાખ પડાવ્યા

'તમારા
નામે ખૂલેલા એકાઉન્ટમાં ૬ કરોડના વ્યવહારો થયા છે'
સીબીઆઇ ઓફિસર તરીકેની ઓળખ આપીને ખાતામાંથી રૃપિયા ટ્રાન્સફર કરાવ્યા ઃ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ
રાજ્ય જ નહીં પરંતુ સમગ્ર દેશમાં હાલ સાયબર ગઠિયાઓનો તરખાટ
યથાવત છે અને પોલીસ પણ લોકોને જાગૃત રહેવા માટે અપીલ કરી રહી છે તેમ છતાં ખાસ
કરીને વૃદ્ધોને ટાર્ગેટ કરતી આ સાયબર ટોળકી વધુ એક વાર સફળ થઈ ગઈ છે. આ વખતે
ગાંધીનગર શહેર નજીક આવેલા રાંધેજામાં રહેતા અને મૂળ પર પ્રાંતના વૃદ્ધ ખાનગી કંપની
માંથી નિવૃત્ત થયા છે. ગત ૨૧ મેના રોજ તેમને એક અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો હતો
અને ફોન કરનાર મહિલાએ પોતે ટ્રાય વિભાગમાંથી વાત કરતી હોવાનું જણાવ્યું હતું અને
કહ્યું હતું કે બે કલાકમાં તમારો ફોન બંધ થઈ જશે ત્યારબાદ અન્ય મહિલાએ વોટ્સએપ
ઓડિયો કોલ કર્યો હતો અને કહ્યું હતું કે પોતે કોલાબા પોલીસ સ્ટેશનમાંથી ઓફિસર
તરીકે બોલે છે અને ત્યારબાદ અન્ય નંબર ઉપરથી સીબીઆઇ ઓફિસર તરીકે ઓળખ આપીને સમાધાન
પવાર નામની વ્યક્તિએ વિડીયો કોલ કર્યો હતો. આ વૃદ્ધને કહેવામાં આવ્યું હતું કે
તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરીને કેનેરા બેન્કમાં એક એકાઉન્ટ ખોલવામાં આવ્યું છે
અને તેમાં ૬ કરોડ રૃપિયાના નાણાકીય વ્યવહારો થયા છે. જે બેંક ખાતાનો ઉપયોગ નરેશ
ગોયલ નામના વ્યક્તિએ મની લોન્ડરિંગ અને ફ્રોડમાં કર્યો છે. જો તમે સહયોગ નહીં આપો
તો બે કલાકમાં તમારી ધરપકડ કરવામાં આવશે અને ત્યારબાદ આ વૃદ્ધને મુંબઈ પોલીસ અને
ભારત સરકારના સિક્કા વાળા એરેસ્ટ ઓર્ડરની પીડીએફ મોકલવામાં આવી હતી. ગભરાઈ ગયેલા
વૃદ્ધને તેમના તમામ બેંક ખાતાઓની વિગતો આપવા માટે કહેવામાં આવ્યું હતું અને તેમણે
વિગતો આપતા આ રૃપિયા ટ્રાન્સફર કરવા કહ્યું હતું અને ત્યારબાદ કેસ પત્યા પછી તે
રૃપિયા પરત કરી દેવાની પણ વાત કરવામાં આવી હતી. જેના પગલે તેમણે તબક્કાવાર ૩૭.૫૦ લાખ
રૃપિયા જેટલી માતબર રકમ આ સાઇબર ગઠિયાઓને ટ્રાન્સફર કરી દીધી હતી. જોકે સાઇબર
ગઠિયાઓએ તેમને નજીકના પોલીસ સ્ટેશનમાં પહોંચીને એનઓસી મેળવી લેવા માટે કહ્યું અને
વૃદ્ધ પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે તેમની સાથે છેતરપિંડી થઇ હોવાનું બહાર આવ્યું
હતું.
પોલીસ સ્ટેશનમાં જઈને એનએસસી લેવાનું કહેતા ભાંડો ફૂટયો
આ વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કરીને સાયબર ગઠીયાઓ દ્વારા તેમના
બેંક ખાતામાંથી રૃપિયા ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ નજીકના
પોલીસ સ્ટેશનમાં જઈને એનઓસી લેવા માટે કહેવામાં આવ્યું હતું. જેના પગલે તેઓ સેક્ટર
૨૧ પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે સાયબર ગઠીયાનો ફોન ચાલુ હતો અને પોલીસને સમગ્ર
બાબત જણાવતા પોલીસે તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાવતા સમગ્ર મામલાનો ભાંડો
ફૂટયો હતો.
પાંચ દિવસના ડિજિટલ એરેસ્ટમાં વૃદ્ધે બેંકની એફડી પણ તોડાવી
ગત ૨૧ મેથી ૨૬ મે દરમિયાન પાંચ દિવસ સુધી આ વૃદ્ધને ડિજિટલ
એરેસ્ટ કરીને તેમની પાસેથી બેંકની વિગતો મેળવી એફડી પણ સાયબર ગઠિયાઓએ તોડાવી હતી.
એટલું જ નહીં સવાર સાંજ તેમને ગુડ નાઈટ અને ગુડ મોનગના મેસેજ કરીને સતત વાત ચાલુ
રાખવામાં આવતી હતી. જોકે ડિજિટલ એરેસ્ટની આ ઘટનામાં તેમણે કોઈનો પણ સંપર્ક નહીં
કરતા તેમની સાથે છેતરપિંડી થઈ હતી.








